થાણેમાં ઘરની બહાર ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી

થાણે: થાણેમાં રહેતી મહિલાના ઘરની બહાર ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
લુઇસ વાડી વિસ્તારના સાંઇનાથ નગરમાં રહેતી 29 વર્ષની મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તે રવિવારે રાતે રસોડામાં હતી ત્યારે તેને બાળકીના રડવાનો અવાજ સંભળાયો હતો.
આથી તે ઘરનો દરવાજો ખોલીને બહાર આવી ત્યારે દરવાજા નજીક બાળકી નજરે પડી હતી, એમ વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
દરમિયાન મહિલાએ આની જાણ પોલીસને કરી હતી, જેને પગલે અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને બાળકીને બાદમાં થાણેની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી.
મહિલાની ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કરી બાળકીનાં માતા-પિતાની શોધ આદરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)