નવા વર્ષની ઉજવણી: ડ્રન્ક એન્ડ ડ્રાઇવમાં 283 વાહનચાલક પકડાયા
મુંબઈ: નવા વર્ષની ઉજવણીમાં દારૂ ઢીંચી વાહન હંકારવા બદલ પોલીસે 283 જણને પકડી પાડ્યા હતા, જ્યારે હેલ્મેટ પહેર્યા વિના ટૂ-વ્હીલર ચલાવનારા 2,410 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ કહ્યું હતું.
નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે શહેરમાં પોલીસ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એ દરમિયાન 112 સ્થળે નાકાબંધી કરવામાં આવી હતી, જેમાં 9,025 વાહનોને ચકાસાયાં હતાં.
બીજી તરફ ટ્રાફિક પોલીસ દ્વારા પણ શહેરમાં વિવિધ માર્ગો પર ચેક પોઇન્ટસ ગોઠવવામાં આવ્યા હતા. ઉપરાંત ડ્રન્ક એન્ડ ડ્રાઇવ વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જે સોમવાર સવાર સુધી ચાલી હતી.
ઉજવણીમાં દારૂ પીને વાહન નહીં હંકારવા માટે પોલીસ દ્વારા વારંવાર અનુરોધ કરવામાં આવ્યો છતાં 283 ચાલક દારૂ પીને વાહન હંકારતા પકડાયા હતા અને તેમને પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન બેદરકારીથી અને તેજ ગતિથી વાહન ચલાવનારા 80 જણ, તો વિરુદ્ધ દિશામાં વાહન હંકારવા બદલ 320 જણ સામે મોટર વેહિકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરાઇ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.