આગામી અધિવેશનમાં નવી મહિલા નીતિ, અંતિમ મુસદ્દો તૈયાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અનેક વર્ષોથી જેની રાહ જોવાઈ રહી હતી તે રાજ્યની ચોથી મહિલા નીતિનો અંતિમ મુસદ્દો તૈયાર કરી નાખવામાં આવ્યો છે અને વિધાનસભાના આગામી શિયાળુ અધિવેશનમાં તેને રજૂ કરવા માટેની તૈયારીઓ રાજ્યના મહિલા અને બાળકલ્યાણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ નવી નીતિમાં અનેક મહત્ત્વની જાહેરાતો કરવામાં આવશે. તેમાં મુખ્યત્વે પ્રસુતી પછીની ઉદાસીનતા (પોસ્ટપાર્ટમ ડિપ્રેશન) ઘટાડવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવશે, એવું જાણવા મળ્યું છે.
રાજ્યની મહિલા નીતિ નક્કી કરવા માટે છેલ્લા અનેક વર્ષોથી સરકાર સ્તરે પ્રયાસ ચાલી રહ્યા છે. મહાવિકાસ આઘાડીના કાર્યકાળમાં આ માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આવેલી શિંદે- ફડણવીસ સરકારે તેને માટે અનેક પગલાં લીધા પણ હજી સુધી નીતિ તૈયાર થઈ નથી. હવે અંતિમ મુસદ્દો તૈયાર થઈ ગયો હોવાથી હવે તેને આગામી અધિવેશનમાં રજૂ કરવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, એવું જાણવા મળ્યું છે.