મુંબઈમાં બુલેટ ટ્રેનના સ્ટેશન માટે આવી નવી અપડેટ, જાણો કોને થશે ફાયદો?

મુંબઈ: મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડાવનારી બુલેટ ટ્રેનના પ્રસ્તાવિત પ્રકલ્પમાં મુંબઈમાં બીકેસી ખાતે બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે, જ્યારે અંડરગ્રાઉન્ડ સ્ટેશનને ડાયરેક્ટ મેટ્રો સાથે જોડવામાં આવશે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) ખાતેના ભારતના પ્રથમ ભૂગર્ભ બુલેટ ટ્રેન સ્ટેશનને બે મેટ્રો રેલ લાઇન અને તેની આસપાસની અન્ય ઇમારતો અને કમર્શિયલ કોમ્પ્લેક્સો સાથે જોડવાની યોજના ચાલી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
બુલેટ ટ્રેન સ્ટેશનને અંડરગ્રાઉન્ડ મેટ્રો લાઇન-3 (કફ પરેડથી આરે કોલોની)ના કોટક – બીકેસી સ્ટેશન સાથે જોડતી એક અંડરગ્રાઉન્ડ ટનલ હશે અને એક ફૂટ ઓવરબ્રિજ હશે, જે તેને બંધાઈ રહેલી મેટ્રો લાઇન -2બી (ડીએન નગરથી માંડલે) પર આઇએલ એન્ડ એફએસ સ્ટેશન સાથે જોડશે. મેટ્રો સ્ટેશનની કનેક્ટિવિટીને કારણે શહેરમાં અન્ય જગ્યાએ જવા માટે પ્રવાસીઓને સુવિધા થશે.
આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અટકવાનું કારણ શું, કોણ છે ‘વિલન’?
એક ટનલ બનાવવાની યોજના બનાવી હતી
પહેલી જુલાઈએ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી અને મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની આ યોજનાની ચર્ચા કરવા માટે બેઠક મળી હતી. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે કનેક્ટિવિટીની સુવિધા માટે મુંબઈ હાઈ સ્પીડ રેલના ચાલી રહેલા નિર્માણ દરમિયાન એક ટનલ બનાવવાની યોજના બનાવી હતી.
1.1 કિલોમીટરની ટનલ લાઈન થ્રીને જોડશે
એનએચએસઆરસીએલના અધિકારીએ કહ્યું હતું કે ‘ટનલ 1.1 કિમી લાંબી હશે અને કોટક-બીકેસી સ્ટેશન પર લાઇન -3 સાથે જોડાશે.’ એનએચએસઆરસીએલના અધિકારીઓનો અંદાજ છે કે અંતિમ યોજનાને આધારે લિંકિંગ ટનલની કિંમત ₹ 100-₹ 150 કરોડ કે તેથી વધુ હશે. આ ટનલ શહેરે સીએસએમટી અને ચર્ચગેટ રેલવે સ્ટેશનો પર બાંધવામાં આવેલા સબ-વે જેવી દેખાશે, જેમાં બંને બાજુ દુકાનો છે.
HSR સ્ટેશન જે 5 એકર વિસ્તારને આવરી લે છે
એનએચએસઆરસીએલ અનુસાર, મુંબઈ એચએસઆર સ્ટેશન જે 5 એકર વિસ્તારને આવરી લે છે અને તેની કિંમત 3,600 કરોડ રૂપિયાથી વધુ છે અને 2027ના અંત સુધીમાં તૈયાર થઈ જશે તેવી અપેક્ષા છે. 495 મીટર લાંબુ આ સ્ટેશન વધુ 500 મીટર વિસ્તારમાં ફેલાયેલું છે અને તેના ત્રણ સ્તર નક્કી કરવામાં આવ્યા છે.
જે સ્ટેશનને એક્વા લાઇન સાથે જોડવામાં આવશે
પ્રથમ અને સૌથી નીચામાં 30 મીટર-35 મીટરની ઊંડાઈએ, ટ્રેન પ્લેટફોર્મ હશે. તેની ઉપર, બીજા સ્તરમાં કોન્કોર્સ એરિયા, ટિકિટિંગ કાઉન્ટર્સ, ટ્રેન ડ્રાઇવરો માટે રૂમ, પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા અને ટનલનો પ્રવેશદ્વાર હશે, જે સ્ટેશનને એક્વા લાઇન સાથે જોડશે. સૌથી ઉપરનું સ્તર રસ્તાના સ્તરે હશે અને તેમાં દુકાનો, રેસ્ટોરાં અને કમર્શિયલ સ્પેસ હશે.