પુણેના પૂરના જોખમને કાયમી ધોરણે દૂર કરવા માટે નવી નીતિ બનાવાશે: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પુણે અને પિંપરી-ચિંચવડ શહેરોના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પૂરગ્રસ્ત વિસ્તારના નાગરિકો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે, પૂરના જોખમને દૂર કરવા તેમજ પૂરની સ્થિતિને કારણે ઊભી થતી સમસ્યાઓનો કાયમી ઉકેલ શોધવા માટે સરકાર વતી નવી નીતિ લાવવામાં આવશે, એમ મુખ્ય પ્રધાનની કચેરી દ્વારા માહિતી આપવામાં આવી હતી.
એકનાથ શિંદેએ પાટીલ એસ્ટેટ, શિવાજીનગર અને ડો. બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક શાળા, પીએમસી કોલોની, વાકડેવાડી, જુની સાંગવી ખાતેની પુણ્યશ્લોક અહિલ્યા દેવી હોલકર મ્યુનિસિપલ સ્કૂલ, એકતા નગર સિંહગઢ રોડ, ખડકવાસલાની મુલાકાત લીધી અને રહેવાસીઓ તેમજ સ્થળાંતરિત કરવામાં આવેલા લોકો સાથે વાતચીત કરી હતી.
એકનાથ શિંદેએ કહ્યું હતું કે, પુણેમાં પૂરની સ્થિતિની પૃષ્ઠભૂમિમાં વાદળી ફ્લડ લાઇનનો ફરીથી સર્વે કરવામાં આવશે. સરકાર પૂરના અસરગ્રસ્તોેને જરૂરી સહાય પૂરી પાડી રહી છે. જોકે, પૂરના જોખમને ઘટાડવા માટે સરકાર દ્વારા પગલાં લેવામાં આવશે. પૂર પ્રભાવિત મકાનોના મુદ્દાને ઉકેલવા માટે એક નવું ડેવલપમેન્ટ કંટ્રોલ એન્ડ પ્રમોશન રેગ્યુલેશન ઘડવામાં આવશે.
આ પણ વાંચો: થાણેમાં મુશળધાર વરસાદઃ પુલ ધોવાયો, પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 54 લોકોને બચાવાયાં
મકાનના પુન:વિકાસની જરૂરિયાત મુજબ કાયદા અને નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે તેમ શિંદેએ જણાવ્યું હતું.
એકનાથ શિંદે જૂની સાંગવી વિસ્તારના વિસ્થાપિતો પૂરથી પ્રભાવિત નાગરિકોને મળ્યા અને પુણ્યશ્લોક અહિલ્યા દેવી હોલકર મ્યુનિસિપલ સ્કૂલની મુલાકાત લઈને તેમને દિલાસો આપ્યો. તેમણે કહ્યું હતું કે સરકાર તમામ જરૂરી મદદ પૂરી પાડી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોનું સુરક્ષિત જગ્યાએ કાયમી ધોરણે પુનર્વસન કરવામાં આવશે. સિંહે પૂર પીડિતો માટે લેવાયેલા પગલાં વિશે માહિતી આપી હતી.
એકનાથ શિંદેએ સિંહગઢ રોડ પર આવેલા એકતા નગરના પૂરથી પ્રભાવિત નાગરિકો માટે લેવામાં આવેલા પગલાંની મુલાકાત લીધી અને નિરીક્ષણ કર્યું અને લગભગ દોઢ કલાક સુધી નાગરિકોની તેમની સમસ્યાઓ જાણવા પ્રશ્ર્નો પણ કર્યા હતા. તેમણે ખાતરી આપી હતી કે દરેક નાગરિકનું જીવન મહત્વપૂર્ણ છે અને નાગરિકોની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે.
તે પછી તેમણે પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રને નાગરિકોને આ વિસ્તારમાં ગટર લાઈનોનું સમારકામ, નવી પાણીની લાઈનો નાખવા જેવી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. પૂર પ્રભાવિત વિસ્તારોના રહેવાસીઓ માટે વિવિધ વિસ્તારોમાં હેલ્પ રૂમ ખોલવા અને આરોગ્ય ટીમો અને નજીકની હોસ્પિટલોને તૈયાર રાખવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું. જે બાદ તેમણે અધિકારીઓ સાથે ખડકવાસલા ડેમના પાછળના પાણીનું નિરીક્ષણ કર્યું હતું.
એકનાથ શિંદેએ પૂર અસરગ્રસ્ત નાગરિકોને જરૂરી વસ્તુઓનું વિતરણ કર્યું હતું.