આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવી પેટર્ન! ભાજપના દિગ્ગજ નેતાઓના પરિવારની ‘બિનહરીફ જીત’

મુંબઈ: મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપના 100થી વધુ નગરસેવક બિનહરીફ ચૂંટાયા હતા. આ જીતની જાણકારી બીજેપી પ્રદેશા પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણે આપી હતી. તેમણે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં જનતાએ વિશ્વાસ મુક્યો છે. ભાજપની નીતિઓ અને વિકાસના વચનોને કારણે ઘણી જગ્યાએ વિપક્ષે મુકાબલામાં ઉતરવાની હિંમત જ નથી બતાવી.

આ ઉપરાંત મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ રીતે બિનહરીફ જીતની એક નવી પેટર્ન અપનાવી રહી છે. રાજ્યભરમાં નગરપાલિકાઓ અને નગરપરિષદોની ચૂંટણીઓમાં પાર્ટીના અનેક ઉમેદવારો મુકાબલા વિના જ વિજયી થઈ રહ્યા છે. ચૂંટણીઓ પહેલાં ભાજેએ અનેક પૂર્વ ધારાસભ્યો અને જિલ્લાઓના પ્રભાવશાળી નેતાઓને પોતાના પક્ષમાં સામેલ કર્યા હતા, જેના પરિણામો હવે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે.

જામનેર નગરપાલિકામાં પ્રધાન ગિરીશ મહાજનનાં પત્ની સાધના મહાજન બિનહરીફ ચૂંટાયા હતા. મહાવિકાસ આઘાડીનાં ઉમેદવાર જ્યોત્સ્ના વિસપુતેએ પોતાનું નામાંકન પાછું ખેંચી લેતા સાધના મહાજનની જીત નિશ્ચિત થઈ ગઈ હતી. જામનેરમાં ભાજપના કાર્યકરોએ મોટી સંખ્યામાં વિજય ઉત્સવ મનાવ્યો હતો.

દોંડાઈમાં પ્રધાન જયકુમાર રાવલનાં માતાશ્રી નયન કુમાર રાવલ બિનહરીફ ચૂંટાયા હતા. સોલાપુરની અનગર નગરપંચાયતમાં પૂર્વ ધારાસભ્ય રાજન પાટીલનાં પુત્રવધૂ પ્રાજક્તા પાટીલ પહેલાંથી બિનહરિફ જાહેર થયા હતા. આ ત્રણેય બેઠકોમાં એક સમાન બાબત એ છે કે આ ત્રણેય બેઠકોના વિજેતા મહિલાઓ છે અને તેમાંથી બે સીધા રાજ્યના પ્રધાનોના પરિવારમાંથી આવે છે.

અમરાવતી જિલ્લાની ચિખલદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પિતરાઈ ભાઈ આલ્હાદ કલોતી પણ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. આ જીતમાં ધારાસભ્ય રવિ રાણાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. સોલાપુર, અમરાવતી જેવા જિલ્લાઓમાં સતત મળી રહેલી બિનહરીફ જીતે સ્થાનિક સ્તરે ભાજપનું બિનહરિફ મોડલ વ્યૂહાત્મક રીતે સફળ થઈ રહ્યું હોવાનો સંકેત આપ્યો હતો. રાજકીય વિશ્લેષકોના મતે, વિપક્ષ દ્વારા નામાંકન પાછું ખેંચવું, સ્થાનિક નેતૃત્વ પર મજબૂત પકડ અને સત્તાધારી પક્ષનો પ્રભાવ – આ બધું ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે.

આપણ વાંચો:  અંધેરીમાં કેમિકલ લીકેજ થવાથી એકનું મોત, બે હૉસ્પિટલમાં

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button