નવી મુંબઇમાં ઇમારતો માટે કડક પાર્કિંગ નિયમો
નવી મુંબઇઃ મુંબઇ હાઇ કોર્ટના આદેશ અનુસાર નવી મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (NMMC) એ શહેરના રહેણાંક અને કમર્શિયલ બિલ્ડિંગોમાં પાર્કિંગની પૂરતી વ્યવસ્થાઓની ખાતરી કરવા માટે હવે નવી નીતિ અમલમાં મૂકી છે. ડેવલોપરોએ તેમના ફ્લેટના કદના આધારે દરેક ફ્લેટ માટે કેટલી પાર્કિંગ સ્પેસ ઉપલબ્ધ કરાવવી જોઈએ તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
ટૂંક સમય પહેલા મુંબઇ હાઇ કોર્ટે આપેલા આ આદેશ બાદ નવી મુંબઇના મ્યુનિસિપલ કમિશનર કૈલાસ શિંદેએ આયોજન નિષ્ણાંતોની એક સમિતિની રચના કરી હતી. આ સમિતિની અધ્યક્ષતા કોંકણ વિભાગના તત્કાલિન જોઇન્ટ ડિરેક્ટર જીતેન્દ્ર ભોપાલેને સોંપવામાં આવી હતી. આ સમિતિની ભલામણોને આધારે હવે નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે.
નવા નિયમ અનુસાર ડેવલપરોએ 1500 સ્ક ફૂટના ઘરમાં બે ફોર વ્હીલર અને એક ટૂ વ્હીલરના પાર્કિંગની સ્પેસ અને વધારાના દરેક 500 ચો. ફૂટ માટે વધારાની પાર્કિંગ સ્પેસ આપવી પડશે. 800થી 1500 સ્ક ફૂટના ઘર માટે બે ફોર વ્હીલર અને એક ટૂ વ્હીલરના પાર્કિંગની સ્પેસ આપવી પડશે. 600થી 800 સ્ક. ફૂટના દરેક બે ફ્લેટ દીઠ ત્રણ ફોર વ્હીલર અને બે ટૂ વ્હીલરના પાર્કિંગની સ્પેસ હોવી જોઇએ. 400થી 600 સ્ક. ફૂટના દર ચાર ફ્લેટ દીઠ પાંચ ફોર વ્હીલર અને ચાર ટૂ વ્હીલરના પાર્કિંગની સ્પેસ હોવી જોઇએ. 300થી 400 સ્ક ફૂટના ફ્લેટના કિસ્સામાં દરેક બે ઘર દીઠ બે ફોર વ્હીલર અને બે ટૂ વ્હીલરના પાર્કિંગની સ્પેસ હોવી જોઇએ. 300 સ્ક ફૂટથઈ નાના ફ્લેટ માટે એક ફોર વ્હીલર અને બે ટૂ વ્હીલરના પાર્કિંગની સ્પેસ હોવી જોઇએ. આ ઉપરાંત NMMCએ એમ પણ જણાવ્યું છે કે ઇમારતોના પાર્કિંગ વિસ્તારોના પાંચ ટકા ભાગ મુલાકાતીઓ માટે અલાયદો રાખવો પડશે.
Also read: પાર્કિંગ પ્લોટનો કમર્શિયલ ઉપયોગ કરનારા સામે સુધરાઈની લાલ આંખ
NMMCના કમિશનર શિંદેએ જણાવ્યું હતું કે શહેરમાં પાર્કિંગ સ્પેસની વધતી જતી માગેન પહોંચી વળવા માટે અસરકારક વ્યુહરચના બનાવવા માટે સમિતિ બનાવવામાં આવી હતી અને રહેવાસીઓ પાસેથી પણ પ્રતિસાદ મંગાવવામાં આવ્યા હતા. લોકોના પ્રતિસાદ અને સમિતિની ભલામણોને ધ્યાનમાં રાખીને અમે પાર્કિંગ સ્પેસની વધતી જતી માગને ધ્યાનમાં લઇને શહેરની નવી પાર્કિંગ પોલિસી બનાવી છે અને અહીંના રહેવાસીઓ પાસેથી સૂચનો અને વાંધાઓ મગાવ્યા છે. ત્યાર બાદ જરૂરી ફેરફારો કરી આ દરખાસ્તને અંતિમ મંજૂરી માટે રાજ્ય સરકાર પાસે મોકલવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સિડકો દ્વારા બાંધવામાં આવેલા ઓછી આવક ધરાવતા લોકો (LIG)ની વસાહતોમાં રહેતા લોકો માટે મોટી રાહત સમાન નિર્ણયમાં NMMCએ તેમના ઘરોને રિડેવલપમેન્ટ બાદ પાર્કિંગ સ્પેસના નિયમમાંથી મુક્તિ આપી છે, જેનાથી તેમને ઘણી રાહત થઇ છે.