આમચી મુંબઈ

નવી મુંબઈ મેયરની ચૂંટણી: ભાજપ અને શિંદે જૂથ વચ્ચે જંગ, મહાયુતિમાં ભંગાણના સંકેત?

મુંબઈ બાદ હવે નવી મુંબઈમાં પણ ભાજપ અને શિવસેના આમને-સામને; 5 ફેબ્રુઆરીએ ખરાખરીનો જંગ

મુંબઈઃ મુંબઈ મહાનગર પાલિકામાં ભાજપ અને સહયોગી શિવસેના કોનો મેયર બનશે તે બાબત હજી એકમત થયા નથી, ત્યાં એવા સમાચાર આવ્યા છે કે નવી મુંબઈમાં પણ મેયરની ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રના વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીઓની આસપાસ દાવપેચ ચાલી રહ્યા છે.

ભાજપ (ભારતીય જનતા પાર્ટી) અને શિંદેની શિવસેના વચ્ચે પરસ્પર સંમતિથી બિનહરીફ ચૂંટણીનો ફોર્મ્યુલા અનુસરવામાં આવી રહી હતી, પરંતુ નવી મુંબઈ મેયરની ચૂંટણીમાં બંને પક્ષોએ ઉમેદવારો ઉભા રાખ્યા હતા, આનાથી મહાયુતિ ગઠબંધનમાં સામસામે તલવારો ખેંચાઈ છે.

નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે ભાજપ અને શિંદેની શિવસેના બંનેએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. આનાથી ભાજપની બિનહરીફ મેયર પદ મેળવવાની રાજકીય યોજનાઓ પર પાણી ફરી વળ્યું છે. હવે બંને પક્ષોએ પોતપોતાની રાજકીય ચાલ અજમાવવી પડશે. આવી સ્થિતિમાં નવી મુંબઈના મેયરની બેઠક કોના હાથમાં જશે તે જોવાનું રસપ્રદ થઇ પડશે.

નવી મુંબઈમાં ભાજપ તરફથી સુરજ પાટિલ મેયર પદના ઉમેદવાર છે અને દશરથ સીતારામ ભગત ડેપ્યુટી મેયર પદના ઉમેદવાર છે. દરમિયાન, શિંદેની શિવસેના તરફથી સરોજ રોહિદાસ પાટિલ મેયર પદ માટે અને આકાશ મઢવી ડેપ્યુટી મેયર પદ માટે ચૂંટણી લડી રહ્યા છે. બંને પક્ષોએ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હોવાથી હવે 05 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજવામાં આવશે.

નવી મુંબઈમાં પણ કોકડું ગૂંચવાયું

નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 111 કાઉન્સિલર બેઠક છે. ભાજપના 65 કાઉન્સિલર જીત્યા છે, જ્યારે શિંદેની શિવસેનાએ 42 બેઠક પર જીત મેળવી છે. આ ઉપરાંત, અન્ય પક્ષોમાંથી પાંચ કાઉન્સિલરો જીત્યા હતા. આમ નંબર ગેમ ભાજપના પક્ષમાં દેખાઈ રહી છે. ભાજપ માનતું હતું કે તે પોતાના કાઉન્સિલરના બળ પર બિનહરીફ મેયરની ચૂંટણી જીતશે, પરંતુ શિવસેનાએ પડકાર ઉભો કર્યો છે.

ઉલ્હાસનગરમાં ડેપ્યુટી મેયરપદથી ખુશ થવું પડ્યું

ઉલ્હાસનગરમાં શિવસેનાના એકનાથ શિંદેએ પોતાના દમ પર બહુમતી મેળવી હતી, છતાં ડેપ્યુટી મેયરનું પદ ભાજપને આપવામાં આવ્યું હતું. તેવી જ રીતે, કલ્યાણ-ડોંબિવલીમાં, શિવસેનાએ પોતાના દમ પર બહુમતી હાંસલ કરી, છતાં ડેપ્યુટી મેયરનું પદ ભાજપને આપવામાં આવ્યું.

આ કારણે બંને જગ્યાએ મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી બિનહરીફ થઈ. તેવી રીતે નવી મુંબઈમાં પણ બિનહરીફ પદોની ફાળવણી થવાની શક્યતા વ્યક્ત થઇ રહી હતી. પણ જાણવા મળ્યા મુજબ, ભાજપે શિંદે જૂથ સાથે ચર્ચા કાર્ય વિના નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર અને ડેપ્યુટી મેયરપદ માટે પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા ત્યાર બાદ શિવસેનાએ પણ બંને પદો માટે પોતાના ઉમેદવારોના ફોર્મ ભર્યા.

રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે જો ભાજપે મોટું હૃદય બતાવ્યું હોત અને શિવસેનાને ડેપ્યુટી મેયરનું પદ આપ્યું હોત, તો બંને અહીં પણ સાથે આવી શક્યા હોત. નામાંકન પ્રક્રિયા પછી, નવી મુંબઈમાં શિવસેના (શિંદે જૂથ) ના ઉપનેતા વિજય ચૌગુલેએ કહ્યું કે રાજ્યમાં મહાયુતિની સરકાર છે, તેથી અમે નામાંકન પત્ર ભર્યા છે. હવે, અમે ચૂંટણી સુધી રાહ જોઈશું.

નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયરની બેઠક સામાન્ય શ્રેણીની મહિલા માટે અનામત રાખવામાં આવી છે. ભાજપના નેતા ગણેશ નાઈકે મેયર પદ માટે પોતાના વફાદાર ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. નાઈક અને શિંદે વચ્ચેની હરીફાઈ જગજાહેર છે. કદાચ, આ જ કારણ છે કે હવે નગરપાલિકના મહત્વના પદો પર પણ ભાજપ અને શિવસેના આમને સામને છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button