ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકની તપાસમાં આવી ચોંકાવનારી બાબત: સૅફમાં જગ્યા 10 કરોડની, દાખવી કૅશ 122 કરોડ

મુંબઈ: ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકની પ્રભાદેવી બ્રાન્ચમાં એક સમયે 10 કરોડ રૂપિયા રાખવાની ક્ષમતા હતી, પરંતુ આરબીઆઇના ઇન્સ્પેક્શનને દિવસે સૅફમાં 122.028 કરોડ રૂપિયા હોવાનું કૅશ ઇન હેન્ડ બૂકમાં દર્શાવવામાં આવ્યું હતું.
ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપતના કેસની તપાસ કરી રહેલી આર્થિક ગુના શાખાએ બૅંકના ભૂતપૂર્વ જનરલ મેનેજર સહિત ત્રણ જણની ધરપકડ કરી છે.
રિઝર્વ બૅંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ની ઇન્સ્પેક્શન ટીમે 11 ફેબ્રુઆરીના રોજ પ્રભાદેવી ખાતે બૅંકની કોર્પોરેટ ઓફિસ બ્રાન્ચની મુલાકાત લીધી હતી, જ્યાં સૅફમાંથી 122 કરોડ રૂપિયા ગાયબ હોવાનું તેમને જાણવા મળ્યું હતું.
કોર્પોરેટ ઓફિસ બ્રાન્ચની બેલેન્સ શીટમાં પ્રભાદેવી અને ગોરેગામની બ્રાન્ચની સૅફમાં 133.41 કરોડ રૂપિયા દર્શાવવામાં આવ્યા હતા અને તે દિવસે પ્રભાદેવી બ્રાન્ચની બેલેન્સ શીટમાં એ આંકડો 122.028 કરોડ રૂપિયા હતો.
આપણ વાંચો: ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકના ડિપોઝિટર્સ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, આ તારીખથી…
તપાસ દરમિયાન કોર્પોરેટ ઓફિસની સૅફમાં રોકડ સંગ્રહ કરવાની ક્ષમતા માત્ર 10 કરોડ હોવાનું આર્થિક ગુના શાખાને જાણવા મળ્યું હતું અને તેમને વૉલ્ટમાંથી 60 લાખ રૂપિયા મળી આવ્યા હતા. આરબીઆઇના ઇન્સ્પેક્શનને દિવસે ગોરેગામ બ્રાન્ચની સૅફમાંથી 10.53 કરોડ રૂપિયા મળી આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ગોરેગામ બ્રાન્ચની સૅફમાં પણ 10 કરોડ રૂપિયા સંગ્રહ કરવાની ક્ષમતા હતી. આર્થિક ગુના શાખા હવે તપાસ કરી રહી છે કે બૅંકના નાણાકીય રેકોડર્સ તપાસતા ઑડિટરોએ બૅંકમાંથી ગુમ થયેલી રોકડ અંગે કેમ ચિંતા વ્યક્ત ન કરી.
અત્રે ઉલ્લેખનીય છે કે ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપતના કેસમાં બૅંકના ભૂતપૂર્વ જનરલ મેનેજર હિતેશ મહેતા, ભૂતપૂર્વ સીઇઓ અભિમન્યુ ભૌન અને કાંદિવલીના ડેવલપર ધર્મેશ પૌનની ધરપકડ કરવામાં આવી છે.
બૅંકના એક્ટિંગ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દેવર્ષી ઘોષે દાદર પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ બાદમાં આર્થિક ગુના શાખાને સોંપવામાં આવી હતી. (પીટીઆઇ)