નવી મુંબઈ એરપોર્ટ માટે આવ્યો નવો અવરોધ, ગામવાસીઓએ નોંધાવ્યો વિરોધ
પનવેલ: નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. સિડકો બોર્ડ અને અદાણી ગ્રુપ આવતા વર્ષે માર્ચના અંત સુધીમાં એરપોર્ટથી પ્રથમ ફ્લાઇટ શરૂ કરવા યુદ્ધના ધોરણે દિવસ – રાત કામ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું ત્યાં ત્રણ દિવસ પહેલા કરવામાં આવેલા સુરંગ વિસ્ફોટને પગલે ગામવાસીઓએ વિસ્ફોટક કામગીરી અટકાવી હતી.
આ બાબતની જાણ સિડકો બોર્ડ અને અદાણી ગ્રુપના અધિકારીઓ દ્વારા પનવેલ સિટી પોલીસને કરવામાં આવતા પોલીસે કાયદો અને વ્યવસ્થાની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે રોષે ભરાયેલા ગ્રામજનો અને પ્રોજેક્ટ ઓફિસર વચ્ચે મિટિંગ કરી હતી.
આ પણ વાંચો : ક્રિપ્ટોકરન્સી ફ્રોડમાં ડોમ્બિવલીની મહિલા તબીબે 30 લાખ ગુમાવ્યા
ત્યારબાદ એ મિટિંગમાં વિસ્ફોટ કરવા અંગે આયોજન કરી કામ ફરી શરૂ કરવામાં આવ્યું હતું. ગણતરીના દિવસોમાં બાકી રહેલા 400 વિસ્ફોટ કરવાના હોવાથી દરરોજ સવારે 25 અને સાંજે 25 એમ કરી 400 સુરંગોનો વિસ્ફોટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ ગ્રામજનો શાંત થયા હતા.
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક આવેલા ઓવળે ગામના કેટલાક રહેવાસીઓને તેમના હકનો પ્લોટ ન મળ્યો હોવાથી હજુ પણ ત્યાં જ રહે છે. ફાળવવામાં આવેલા પ્લોટ તેમની અનુકૂળતા મુજબ તેમને સોંપવામાં આવે એવી માંગણી ગામવાસીઓએ કરી હતી.
આ કારણસર કેટલાક ગામવાસીઓને આ પ્રોજેક્ટ માટે વળતર રૂપે મળનારા પ્લોટ હજી સુધી નથી મળ્યા. આ પરિસ્થિતિમાં એરપોર્ટ પ્રોજેક્ટની સાવ નજીકમાં સુરંગ વિસ્ફોટ થવાથી ગામવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો..