વરલી નાકા, મહાલક્ષ્મી અને લોઅર પરેલના ટ્રાફિકને ઘટાડવા નવો પુલ: ડિસેમ્બર ૨૬માં ખુલ્લો મુકાશે
બાન્દ્રા-ધારાવી વચ્ચેના ફ્લાયઓવર ડિસેમ્બરમાં ખુલ્લો મુકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મીઠી નદીને પહોળી કરવાના પ્રોજેક્ટના ભાગરૂપે બાન્દ્રા અને ધારાવી વચ્ચે ધારાવી ફ્લાયઓવરના પુન:નિર્માણનું કામ બે તબક્કામાં ચાલી રહ્યું છે. પહેલા તબક્કામાં લગભગ ૯૦ ટકા કામ પૂરું થયું છે જ્યારે બાકીનું કામ ૩૦ નવેમ્બર,૨૦૨૫ સુધીમાં પૂરું કરવાનો પાલિકાએ નિર્ધાર રાખ્યો છે. આ દરમ્યાન ટ્રાફિકને ઘટાડવામાં માટે વરલીમાં ઈ. મોઝેસ રોડ અને ડૉ. એની બેસન્ટ રોડ વચ્ચેના નાળા પર બાંધવામાં આવી રહેલો પુલ આવતા વર્ષે ડિસેમ્બર સુધી ખુલ્લો મૂકવાની પાલિકાએ યોજના બનાવી છે.
વરલીમાં ઈ. મોઝેસ રોડ અને ડૉ.એની બેસ્ટ રોડ વચ્ચેના નાળા પર બાંધવમાં આવનારો પુલ બે મુખ્ય રસ્તાઓને સીધો જોડશે, જેનાથી એક નવી ટ્રાફિક લિંક બનશે. એક વાર કામ પૂરું થયા પછી વરલી નાકા, મહાલક્ષ્મી અને લોઅર પરેલમાં ટ્રાફિકમાં રાહત મળવાની શક્યતા છે. હાલમાં તેનું બાંધકામ ૩૦ ટકા પૂરું થયું છે અને ડિસેમ્બર ૨૦૨૬ સુધી તેનું કામ પૂરું કરવાનું છે. પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું કે અધિકારીઓને ટ્રાફિક વિભાગનું નો ઓબ્જેકશન સર્ટિફિકેટ અને અન્ય તમામ જરૂરી પરવાનગીઓ અગાઉથી મેળવવાની સૂચના આપવામાં આવી છે.
મીઠી નદીના પટને પહોળો કરવાના પ્રોજેક્ના ભાગરૂપે પાણીના પ્રવાહમાં અડચણ આવે નહીં તે માટે ધારાવીમાં બે તબક્કામાં પુલ બાંધવામાં આવી રહ્યા છે. મીઠી નદીનો પ્રવાહ ઝડપથી સમુદ્રમાં વહી જાય તે માટે નદી જયાં દરિયાને મળે છે તે સંગમ સ્થળે નદીના આઉટલેટ પણ પહોળો કરવામાં આવી રહ્યો છે. ધારાવીમાં ફ્લાયઓવરનું કામ ૯૦ ટકા પૂરું થયું છે અને ૩૦ નવેમ્બર, ૨૦૨૫ સુધી કામ પુરું કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. બાન્દ્રાથી ધારાવી પુલના પહેલા તબક્કામાં કામ પૂરું થયા પછી દક્ષિણ બાજુની બે લેન ટ્રાફિક માટે ખુલ્લી મુકવામાં આવશે. આ નવી લેનને કારણે માહિમ કોઝ વે તરફ જતા ફ્લાયઓવર સુધી સીધો પ્રવેશ કરી શકાશે અને તેેનાથી ટ્રાફિકમાં રાહત મળશે. બીજા તબક્કાના પુલના કામ માટે વર્ક ઓર્ડર બહુ જલદી બહાર પાડવામાં આવવાના છે અને તેની મુદત ૧૮ મહિનાની રાખવામાં આવી છે.
બાન્દ્રા સ્ટેશનથી મ્હાડા સુધી સ્કાયવોક
બાન્દ્રા રેલવે સ્ટેશનથી મ્હાડા ઓફિસ સુધી પાલિકા સ્કાયવોક બાંધી રહી છે. હાઈ કોર્ટના નિર્દેશ મુજબ સ્કાયવોકનું કામ જલદી પૂરું કરવાનું હોવાથી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં તેને ખુલ્લુ મૂકવાનું આયોજન છે. અત્યાર સુધી સ્કાયવોકનું ૮૦ ટકા કામ પૂરુંં થયું છે અને બાકીનું કામ આગામી ત્રણ મહિનામાં પૂરું કરવામાં આવશે એવો પાલિકાએ દાવો કર્યો છે.