મીરા-ભાયંદરમાં ચૂંટણી ફરજમાં બેદરકારી: 113 ખાનગી શિક્ષકો સામે પોલીસ ફરિયાદ

મુંબઈ/ભાયંદર: મીરા-ભાયંદર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પ્રક્રિયામાં ભાગ નહીં લેવા બદલ એક પ્રતિષ્ઠિત ખાનગી શાળાના 113 શિક્ષક વિરુદ્ધ મહાનગરપાલિકા પ્રશાસને સોમવારે ગુનો દાખલ કર્યો હતો. ચૂંટણીની કામગીરી માટે લેખિત આદેશ અને સૂચનાઓ આપવા છતાં સંબંધિત શિક્ષકો ગેરહાજર રહેતા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
મીરા-ભાયંદર મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન ૧૫ જાન્યુઆરીએ યોજાશે અને આ પ્રક્રિયા શહેરના ૯૫૮ મતદાન મથકો પર અમલમાં મૂકવામાં આવશે. આ માટે 4,600 હજારથી વધુ કર્મચારીઓની જરૂર છે.
તેના સંદર્ભમાં પાલિકાના કર્મચારીઓ સહિત, પાલઘર જિલ્લાના સરકારી કર્મચારીઓ અને શહેરની ખાનગી શાળાઓના શિક્ષકોને ચૂંટણી કાર્ય માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા આ સંદર્ભમાં આદેશો પણ જારી કરવામાં આવ્યા હતા.
નિયુક્ત કર્મચારીઓ તાલીમ શિબિરમાં હાજરી આપે એવી અપેક્ષા રાખવામાં આવી હતી. જોકે, મીરા રોડની એક ખાનગી શાળાના ૧૧૩ શિક્ષકો તાલીમ અને વાસ્તવિક કાર્યથી દૂર રહ્યા હોવાની માહિતી પ્રશાસને આપી હતી.
આ પૃષ્ઠભૂમિમાં, મહાનગરપાલિકા પ્રશાસને સંબંધિત શિક્ષકો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે મુજબ, મીરા રોડ પોલીસ સ્ટેશનમાં ૧૧૩ શિક્ષકો સામે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. કેસ નોંધાયા પછી, ઘણા શિક્ષકોએ મંગળવારે ચૂંટણી કાર્યમાં ભાગ લીધો હોવાનું મહાનગરપાલિકા પ્રશાસને જણાવ્યું હતું.
આપણ વાંચો: BMC ચૂંટણી પ્રચારમાં નેતાઓ ‘ભાન’ ભૂલ્યા, જાણો વિવાદાસ્પદ નિવેદનો



