
મુંબઈ: નીટ યુજી 2025માં ઓછા ગુણ મળવાનો ડર હોય એવા ઉમેદવારોને ગુણ વધારી આપવાને નામે મોટી રકમ લઇને છેતરપિંડી આચરવા બદલ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશને (સીબીઆઇ) બે જણની ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ સોલાપુરના સંદીપ શાહ અને નવી મુંબઈના સલીમ પટેલ તરીકે થઇ હતી. આરોપીઓએ નીટના અનેક ઉમેદવારો અને તેમના વાલીઓને છેતર્યા છે, જે અંગે સીબીઆઇ તપાસ કરી રહી છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ના અધિકારીઓ સાથે પોતાના સારા સંબંધ હોવાનો દાવો આરોપીઓ કરતા હતા. એનટીએમાં સેટિંગ કરીને વધુ ગુણ મેળવી આપવાને નામે આરોપીઓએ અનેક ઉમેદવારો તથા તેમના વાલીઓને પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. આ અંગે 9 જૂનના રોજ ફરિયાદ નોંધાવવામાં આવતાં ગુનો દાખલ કરાયો હતો. સીબીઆઇએ મામલાને ગંભીરતાથી લઇ સઘન તપાસ આદરી હતી. બંને આરોપીની મુંબઇ અને સાંગલીથી 9 અને 10 જૂને ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: પુત્રને વિદેશમાં નોકરી અપાવવાને બહાને પિતા સાથે 20 લાખ રૂપિયાની છેતરપિંડી
પોતે પ્રભાવશાળી વ્યક્તિ છે એવું બતાવીને આરોપીઓ ઇચ્છુક ઉમેદવારો અને તેના વાલીઓને પરેલમાંની મોટી હોટેલોમાં બોલાવતા હતા. આરોપી સંદીપ શાહની એનટીએના ઉચ્ચ અધિકારીઓ સાથે નિકટતા છે, જેની પાસેથી નીટ યુજી 2025ના ગુણ વધારી આપી શકે છે, એમ કહીં ઉમેદવાર દીઠ તે 90-90 લાખ રૂપિયા લેતો હતો. એક ઉમેદવારના વાલીઓએ તેને 87.5 લાખ રૂપિયા આપ્યા હતા. શાહ એવો દાવો પણ કરતો હતો કે પરિણામ વિધિસર રીતે જાહેર થવાના છ કલાક અગાઉ ગુણ વધારવામાં આવ્યા છે તેની વિગત ઉમેદવારોને પ્રાપ્ત થશે, એમ સીબીઆઇએ કહ્યું હતું.
સંદીપ શાહ તેના સાગરીત સલીમ પટેલ સાથે સતત સંપર્કમાં હતો. સંદીપ નવી મુંબઈમાં એડમિશન ક્ધસલટન્સી કંપની ચલાવતો હતો. તેમનો અન્ય એક સાગરીત પણ પુણેમાં આવી જ ક્ધસલટન્સી ચલાવતો હતો, જેની શોધ ચલાવાઇ રહી છે.
આરોપીઓના મોબાઇલ જપ્ત કરી ફોરેન્સિક તપાસ કરાવવામાં આવતાં સંભાવ્ય ઉમેદવારો, તેમના રોલ નંબર, એડમિટ કાર્ડસ, ઓએમઆર શીટ અને હવાલા નેટવર્ક થકી આર્થિક વ્યવહારના પુરાવા સહિતની વિગતો ધરાવતી વાંધાજનક ચેટ્સ મળી આવી છે. બંને આરોપીને કોર્ટમાં હાજર કરાતાં તેમને 16 જૂન સુધી સીબીઆઇ કસ્ટડી ફટકારાઇ હતી.