મની લોન્ડરિંગ કેસમાં એનસીપીના રોહિત પવાર ઈડી સમક્ષ હાજર

મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ કો ઓપરેટિવ બેંકના કથિત સ્વરૂપના કૌભાંડના કેસમાં મની લોન્ડરિંગ કેસની પૂછપરછ સંદર્ભે શરદ પવારના ભત્રીજા રાજેન્દ્ર પવારના પુત્ર રોહિત પવાર (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના વિધાનસભ્ય) બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સમક્ષ હાજર થયા હતા.
ઈડીના કાર્યાલયના પ્રવેશદ્વાર સુધી એનસીપીના સંસદ સભ્ય અને પક્ષના અન્ય નેતાઓ 38 વર્ષના રોહિત પવાર સાથે આવ્યા હતા. દક્ષિણ મુંબઈમાં બેલાર્ડ એસ્ટેટ સ્થિત ઈડીના કાર્યાલયમાં રોહિત પવાર સવારે સાડા દસે પહોંચી ગયા હતા.
રોહિત પવારની સાથે એનસીપીનાં સાંસદ સુપ્રિયા સુળે પણ સાથે હતા.
ઈડીના કાર્યાલયમાં જવા પૂર્વે રોહિત પવાર નજીક આવેલા એનસીપીના કાર્યાલયમાં જઈ શરદ પવારના આશીર્વાદ લીધા હતા અને પક્ષના અન્ય નેતાઓ સાથે વાતચીત કરી હતી. વિધાન ભવનની મુલાકાત લઈ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને તેમ જ ભારતીય બંધારણની તકતીને તેમણે વંદન કર્યા હતા.
મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઇકોનોમિક ઓફેન્સિસ વિંગ)એ ઓગસ્ટ 2019માં દાખલ કરેલી એફઆઈઆરને પગલે મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંક મની લોન્ડરિંગ કેસ નોંધવામાં આવ્યો છે.