એનસીપી કોની અજિત જૂથ કે શરદ પવાર? સુપ્રીમ કોર્ટમાં 15 ઓક્ટોબરે સુનાવણી
શરદ પવારે મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન અજિત પવારને ‘ઘડિયાળ’ ચૂંટણી ચિહ્નનો ઉપયોગ કરતા રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે
નવી દિલ્હી: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને એનસીપી (એસપી) વચ્ચેનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. શરદ પવારે મહારાષ્ટ્રની આગામી વિધાનસભા ચૂંટણીમાં અજિત પવારને ‘ઘડિયાળ’ ચૂંટણી ચિહ્નનો ઉપયોગ કરતા રોકવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.
પવારે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે અજિત પવારને વિધાનસભા ચૂંટણી માટે નવા ચિહ્ન માટે અરજી કરવા જણાવવામાં આવે. પવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે ચૂંટણી ચિહ્નને લઈને મતદારોના મનમાં ભ્રમના કારણે તેમને લોકસભા ચૂંટણી દરમિયાન ઘણા મતો ગુમાવવા પડ્યા હતા. સુપ્રીમ કોર્ટ આ અરજી પર 15 ઓક્ટોબરે સુનાવણી કરશે.
શરદ પવારે અરજીમાં શું કહ્યું?
નિષ્પક્ષતા અને સમાન ધોરણો સુનિશ્ર્ચિત કરવામાં આવે જેથી ચૂંટણી અધિકારીઓના મનમાં કોઈ મૂંઝવણ ન રહે.
- મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીના મૂળભૂત સિદ્ધાંતો જાળવવા માટે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં અરજદારની નિષ્પક્ષ અને યોગ્ય ભાગીદારીની ખાતરી કરવી.
- તાજેતરમાં પૂર્ણ થયેલી સંસદીય ચૂંટણીઓમાં વ્યાપક મતદારોની મૂંઝવણ હતી, તે હકીકતને ધ્યાનમાં લેતા વિધાનસભા મતદારક્ષેત્ર પ્રમાણમાં નાના કદના હોવાથી આગામી ચૂંટણીઓમાં મૂંઝવણ સંભવિતપણે વધુ હશે.
- વધુમાં મૂંઝવણ મતદારો પર પડેલી અસરના સીધા પ્રમાણસર છે અને તેથી મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીના સંચાલનમાં વિક્ષેપ પાડવાનું વલણ ધરાવે છે.
- લોકોના મનમાં રહેલી સ્પષ્ટ મૂંઝવણનો લાભ લેવા માટે અજિત પવાર અથવા અન્ય કોઈ દૂષિત વ્યક્તિના ઈરાદાની શક્યતાને નકારી કાઢવી.
પાર્ટીનો અસલી ‘બોસ’ કોણ છે તે કેવી રીતે નક્કી થાય છે?
પાર્ટીનો અસલી ‘બોસ’ કોણ હશે? તેનો નિર્ણય મુખ્યત્વે ત્રણ બાબતો પર આધારિત છે. પ્રથમ- કયા જૂથમાં વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે? બીજું – કોની પાસે વધુ પદાધિકારીઓ છે અને ત્રીજું – કોની બાજુ મિલકતો છે. પરંતુ કયા જૂથને મૂળ પક્ષ ગણવામાં આવશે? તેનો નિર્ણય સામાન્ય રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓની બહુમતીના આધારે લેવામાં આવે છે.
ઉદાહરણ તરીકે, જે જૂથમાં વધુ સાંસદો અને વિધાનસભ્યો હોય તેને મૂળ પક્ષ ગણવામાં આવે છે. એનસીપી અને શિવસેનામાં આ આધારે જ નિર્ણય લેવામાં આવ્યો છે.