ગુલાબી સાડી પછી ટ્રેન્ડમાં આવ્યું છે અજિત પવારનું ગુલાબી જેકેટ, મહિલા મતદારોને રિઝવશે?

મુંબઈઃ નેતાઓ મોટેભાગે સફેદ કપડામાં જ દેખાય છે, અથવા તો હળવા બ્લ્યુ કે પીળા રંગના કુર્તામાં તમે નેતાઓને જોયા હશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાસન બાદ નેતાઓમાં જેકેટ પહેરવાની હોડ લાગી અને મોદી જેકેટ ખૂબ જ ફેમસ થયું. જાણે નેતા હોવાની એક શરત સ્લીવલેસ જેકેટ પહેરવું હોય તેવો ટ્રેન્ડ થયો છે અને ખાસ કરીને ભાજપના નેતાઓ રંગબેરંગી જેકે પહેરેલા જોવા મળે છે. ત્યારે ભાજપનો રંગ સાથીપક્ષને પણ લાગે તે સ્વાભાવિક છે, પરંતુ સાથીપક્ષ એનસીપીના નેતા અજિત પવારે પસંદ કરેલો જેકેટનો રંગ હાલમાં ખૂબ ચર્ચામાં છે.
ભાજપ સાથે જોડાયા બાદ લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત (Ajit Pawar pink Jacket) પવારને ભારે પછડાટ લાગ્યો છે અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (શિવસેના), નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (ભાજપ) કરતા સિનિયર અને વહીવટકુશળ હોવા છતાં તેઓ ઝાંખા પડી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં પોતે સારો દેખાવ કરી શકે તે માટે તેમણે જન સન્માન યાત્રા શરૂ કરી છે. નાશિક ખાતેની આ યાત્રામાં સૌનુ ધ્યાન અજિત પવારના જેકેટના રંગ પર ગયું છે. સામાન્ય રીતે પુરુષો આવા રંગમાં ઓછા દેખાતા હોય છે અને અજિત પવાર હંમેશાં સફેર કુર્તા પાયજામા જ દેખાયા હોવાથી આ રંગનું રાજકારણ વધારે ઘેરાયું છે. આ સાથે એવી માહિતી પણ મળી છે અજિત પવારે એક બે નહીં ડઝન જેટલા ગુલાબી જેકેટ તૈયાર કરાવ્યા છે.

| Also Read: Birthday celebrity Ajit Pawarએ એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરતા કહ્યું કે…
આનું કારણ મહારાષ્ટ્રમાં ભારે લોકપ્રિય બનેલી લાડકી બહેન યોજના હોવાનું માનવામાં આવે છે. શિંદે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી આ યોજનાને સારો પ્રતિસાદ મળ્યો છે, પણ જશ માત્ર એકનાથ શિંદે લઈ રહ્યા છે ત્યારે ભાજપ અને એનસીપી પાછળ રહેવા માગતા નથી. તેમના ભાષણમાં પણ મહિલા મતદારોને રિઝવવાની વાત આવે છે. લાડકી બહેન યોજનાના નાણાં ક્યાંથી લાવવા તેની ચિંતા અજિત પવારે જ કરવાની છે, ત્યારે પોતે મહિલાઓના ફેવરીટ કલર પિંકમાં જોવા મળતા ઉદ્ધવ ઠાકરેએ ટોણો પણ માર્યો છે. તેમણે કહ્યું છે કે કોઈ ગુલાબી જેકેટ પહેરે છે કોઈ કેસરી પહેરે છે, પ્રધાનો રંગ પંચમી રમી રહ્યા છે. મરાઠીમાં એક ગીત ઘણું પ્રચલિત થયું હતું. ગુલાબી સાડી આણિ લાલી લાલ લાલ… ત્યારે હવે ગુલાબી જેકેટ પર કોઈ ગીત બને તો કહેવાય નહીં.