આમચી મુંબઈ

દહેજ ઉત્પીડન-આત્મહત્યા કેસમાં નામ આવેલા નેતા અને તેના પુત્રની એનસીપીએ કરી હકાલપટ્ટી

પુણે: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ ગુરુવારે જણાવ્યું હતું કે દહેજ ઉત્પીડન અને આત્મહત્યા માટે ઉશ્કેરણીના કેસમાં નામ આવ્યા બાદ પાર્ટીના એક સ્થાનિક નેતા અને તેમના પુત્રને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. પુણે જિલ્લા એનસીપીના વડા શિવાજી ગર્જેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાલમાં ફરાર બંને રાજેન્દ્ર હગવણે અને તેમના પુત્ર સુશીલને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

પક્ષના પ્રમુખ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર તાજેતરમાં ધરપકડ કરાયેલા હગવણેના બીજા પુત્રના લગ્નમાં હાજર હતા, તેમણે કહ્યું હતું કે, પોલીસને પિતા-પુત્રની જોડીને પકડવાનો નિર્દેશ આપ્યો છે અને તે માટે જો જરૂરી હોય તો વધારાની ટીમો તૈનાત કરવા જણાવ્યું છે.

એનસીપીના સ્થાનિક નેતા રાજેન્દ્રની પુત્રવધૂ વૈષ્ણવી (26)એ 16 મેના રોજ પુણે નજીક બાવધન વિસ્તારમાં તેના સાસરિયાંનાં ઘરે કથિત રીતે આત્મહત્યા કરી હતી.

તેના માતાપિતાએ એવો આરોપ લગાવ્યો હતો કે લગ્ન સમયે તેમણે તેના પતિના પરિવારને 51 તોલા (595 ગ્રામ) સોનું, ચાંદી અને એક એસયુવી આપી હતી, પરંતુ હગવણેનો પરિવારે તેને હજી સુધી જમીન ખરીદવા માટે બે કરોડ રૂપિયા લાવવાની માગણી કરીને હેરાન કરતા હતા.

પોલીસે જણાવ્યું હતું કે, તેના પતિ શશાંક, સાસુ લતા રાજેન્દ્ર હગવણે, રાજેન્દ્ર હગવણે, ભાભી કરિશ્મા અને દિયર સુશીલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની સંબંધિત કલમો હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરણી અને ઘરેલુ હિંસાના આરોપસર એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો.

પોલીસે પીડિતાના પતિ, સાસુ અને ભાભીની ધરપકડ કરી છે, જ્યારે રાજેન્દ્ર અને સુશીલ ફરાર છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. બીજી તરફ મહારાષ્ટ્ર એનસીપી યુવા પાંખના પ્રમુખ સૂરજ ચવાણે કહ્યું હતું કે, આ મહિલાનું મૃત્યુ ‘માનવતા પર કલંક’ છે.

‘અમે તેની નિંદા કરીએ છીએ અને વૈષ્ણવી માટે ન્યાયની માગણી કરીએ છીએ. જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ,’ એમ તેમણે કહ્યું હતું.

બીજી તરફ મહારાષ્ટ્ર મહિલા આયોગના અધ્યક્ષ અને એનસીપીના નેતા રૂપાલી ચાકણકરે જણાવ્યું હતું કે વૈષ્ણવીનું 10 મહિનાનું બાળક જે અત્યારે તેના સાસરિયાં સાથે છે તેને વૈષ્ણવીના માતાપિતાને સોંપી દેવામાં આવશે.
આ દંપતીના લગ્નનો એક ફોટો જેમાં અજિત પવાર દંપતીને ભેટમાં આપેલી એસયુવીની ચાવી આપતા જોવા મળે છે તે સોશિયલ મીડિયા પર અત્યારે ફરી રહ્યો છે.

પત્રકારો સાથે વાત કરતા વૈષ્ણવીના મામા ઉત્તમ બહિરતેએ કહ્યું હતું કે આ લગ્ન પ્રેમ સંબંધને પગલે થયા હતા, જેનો શરૂઆતમાં તેના માતાપિતાએ વિરોધ કર્યો હતો. શશાંક અને તેના પરિવારે દહેજની માગણી કરી હતી જેમાં એક મોંઘી એસયુવી, સોનું અને એક લાખ રૂપિયાથી વધુ કિંમતની કાંડા ઘડિયાળનો સમાવેશ થાય છે, એવો આરોપ તેમણે લગાવ્યો હતો.

‘તેના માતાપિતાએ એક વાહન બુક કરાવ્યું હતું, પરંતુ શશાંકે વધુ મોંઘી ઘડિયાળની માગણી કરી હતી,’ એમ તેમણે કહ્યું હતું.
વૈષ્ણવીએ 2023માં લગ્નના છ મહિનાની અંદર શારીરિક અને માનસિક શોષણનો સામનો કરવો પડ્યો હતો, તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘તેણે મને એક વખત કહ્યું હતું કે તેને તેના નિર્ણય પર પસ્તાવો થઈ રહ્યો છે.’

હું કેવી રીતે જવાબદાર?: અજિત પવાર
બારામતીમાં એક પાર્ટી કાર્યક્રમમાં બોલતા, અજિત પવારે વૈષ્ણવી અને શશાંકના લગ્નનો ઉલ્લેખ કર્યો હતો જ્યાં તેમણે દંપતીને એસયુવીની ચાવીઓ સોંપી હતી.

તેમણે ક્ધયાના પિતાને પૂછ્યું હતું કે શું કાર સ્વેચ્છાએ ભેટમાં આપવામાં આવી રહી છે કે વરરાજાના પરિવારના દબાણ હેઠળ માગી છે?

‘તમે બધા મને લગ્નોમાં આમંત્રણ આપો છો અને હું તેમાં હાજરી આપવાનો પ્રયાસ કરું છું, પરંતુ જો હું કોઈ પાર્ટી કાર્યકરના પુત્રના લગ્નમાં હાજરી આપું છું અને તે પછીથી તેની પુત્રવધૂ સાથે ખરાબ વર્તન કરે છે, તો મને કેવી રીતે જવાબદાર ઠેરવી શકાય? શું અજિત પવારે તેમને આવું કરવા કહ્યું હતું? એમ તેમણે પૂછ્યું હતું.

‘ઘટના વિશે જાણ્યા પછી તરત જ મેં પિંપરી ચિંચવડના પોલીસ કમિશનરને ફોન કર્યો અને કડક કાર્યવાહી કરવા કહ્યું હતું… તેમને (રાજેન્દ્ર અને સુશીલ) શોધવા માટે ત્રણ ટીમો બનાવવામાં આવી છે અને જો જરૂર પડે તો મેં પોલીસને વધુ ટીમો તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે,’ એમ પણ અજિત પવારે ઉમેર્યું હતું.

નાયબ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે મીડિયા કોઈ કારણ વગર આ મામલે તેમનું નામ ખેંચી રહ્યું છે.
પવારે કહ્યું હતું કે, આવા લગ્નોમાં, ક્ધયાના પિતા ઘણીવાર તેમને વરરાજાને કારની ચાવીઓ અથવા અન્ય ભેટો આપવાનું કહે છે.

‘હું પૂછવાનો મુદ્દો ઉઠાવું છું કે ભેટ સ્વેચ્છાએ આપવામાં આવી રહી છે કે દબાણ હેઠળ. મેં ચેતવણી પણ આપી હતી કે જો ભેટની માગણી કરવામાં આવશે, તો હું તે વ્યક્તિને છોડીશ નહીં,’ એમ પણ તેમણે કહ્યું હતું.
પવારે એમ પણ કહ્યું કે તેમણે વૈષ્ણવીના પિતા આનંદ કસ્પતે સાથે વાત કરી છે અને પરિવારને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી છે.

મૃતદેહ પર મળી આવેલા નિશાન, ઓડિયો ક્લિપ્સના આધારે કાર્યવાહી: ફડણવીસ
એનસીપીના નેતા રાજેન્દ્ર હગવણેની પુત્રવધૂ વૈષ્ણવી હગવણેએ 16 મેના રોજ આત્મહત્યા કરી હતી. વૈષ્ણવીના પિતા અનિલ કસ્પતે અને માતા સ્વાતિ કસ્પતેએ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસે ન્યાયની માગણી કરી હતી.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, ‘વૈષ્ણવીના મૃત્યુનો મામલો એક કમનસીબ ઘટના છે જેણે માનવતા પર કલંક લગાવ્યું છે. આ કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ વૈષ્ણવીના બાળકને પોતાની પાસે રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બાળક સુરક્ષિત રહેવું જોઈએ, તેથી પોલીસે આ કેસમાં હસ્તક્ષેપ કર્યો છે. વૈષ્ણવીનું બાળક તેના પિતા એટલે કે તેના નાના સુધી પહોંચી ગયું છે. વૈષ્ણવીના શરીર પર મળેલા નિશાન અને સામે આવેલી ઓડિયો ક્લિપ્સના આધારે તપાસ હાથ ધરવામાં આવશે. વૈષ્ણવીના પિતા શું કહે છે તેના આધારે તપાસ હાથ ધરવામાં આવશે,’ એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button