એનસીપીની અપાત્રતા પિટિશનઃ અજિત પવાર જૂથે 40 અને શરદ પવાર જૂથે નવ જવાબ નોંધાવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના પ્રમુખ શરદ પવાર અને અજિત પવારના જૂથો વચ્ચેની અપાત્રતા પિટિશન સંદર્ભે શુક્રવારે અજિત પવાર જૂથ દ્વારા 40 રજૂઆત નોંધાવવામાં આવી હતી જ્યારે શરદ પવાર જૂથ દ્વારા નવ રજૂઆતો નોંધાવવામાં આવી હતી.
એનસીપીમાં બીજી જુલાઈના રોજ ભંગાણ પડ્યું હતું. અજિત પવાર અને આઠ વિધાનસભ્યો સરકારમાં સામેલ થયા હતા. ત્યારથી બંને જૂથો દ્વારા મૂળ પક્ષ પોતે હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
પક્ષ અને ચિહ્ન અંગેનો વિવાદ ચૂંટણી પંચ સમક્ષ પણ ચાલી રહ્યો છે. અન્ય જૂથના વિધાનસભ્યોની અપાત્રતા માટે બંને જૂથો દ્વારા અધ્યક્ષ રાહુલ નાર્વેકર સમક્ષ પિટિશન દાખલ કરવામાં આવી છે. આ સંદર્ભે અન્ય રજૂઆતો શુક્રવારે કરવામાં આવી હતી. અજિત પવાર જૂથે 40 રજૂઆતો કરી હતી. જ્યારે શરદ પવારના જૂથે નવ રજૂઆતો કરી હતી, એમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
એનસીપીના વિધાનસભ્યો અંગેની અપાત્રતા પિટિશન અંગેની સુનાવણીની પ્રક્રિયા આગામી અઠવાડિયાથી શરૂ કરવામાં આવશે એવું અપેક્ષિત છે. સંબંધિત સત્તાવાળાઓ દસ્તાવેજોનો અભ્યાસ કરશે અને બંને તરફથી કરવામાં આવેલી રજૂઆતોની સમીક્ષા કરશે, એમ પણ સૂત્રોએ જણાવ્યું હતું.
અત્યારે વિધાનમંડળના બંને ગૃહોમાં એનસીપી એક જ જૂથ તરીકેની માન્યતા ધરાવે છે, એમ પણ સૂત્રોએ કહ્યું હતું.