આમચી મુંબઈ

સત્યાચા મોરચા પર ગુનો: એનસીપી અને મનસેેએ વ્યક્ત કરી નારાજી ગૃહ વિભાગ ભાજપની કચેરીમાંથી ચાલે છે?: રોહિત પવાર

કાયદો બધા માટે સમાન: જેમનાથી લોકોને તકલીફ પડી તેમની સામે ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યની મતદારયાદીમાં રહેલી વિસંગતિઓ અને ગડબડગોટાળા વિરુદ્ધ વિપક્ષી આંદોલન સત્યાચા મોરચા કાઢવામાં આવ્યો હતો, તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જ્યારે ભાજપ દ્વારા ગિરગાંવમાં કાઢવામાં આવેલા મોરચા પર કોઈ ગુનો નોંધવામાં આવ્યો નહોતો આ બાબતને મુદ્દો બનાવીને હવે વિપક્ષ દ્વારા રાજ્યના ગૃહ ખાતાની ટીકા કરવામાં આવી રહી છે.

મુંબઈ પોલીસ દ્વારા મોરચાના આયોજકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બાબતે નારાજી વ્યક્ત કરતાં એનસીપી (એસપી)ના વિધાનસભ્ય રોહિત પવારે કહ્યું હતું કે સત્યાચા મોરચાને પરવાનગી આપવામાં આવી નહોતી એટલે ગુનો નોંધવામાં આવ્યો હતો, તો પછી ભાજપ દ્વારા મૂક મોરચો કાઢવામાં આવ્યો તેને પરવાનગી આપવામાં આવી હતી?

તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચના રેઢિયાળ કારભારના વિરોધમાં વિપક્ષ દ્વારા સત્યાચા મોરચા કાઢવામાં આવ્યો એટલે અમારી વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા છે તો ભાજપના મૂક મોરચાને પરવાનગી આપવામાં આવી હતી? પરવાનગી નહોતી તો રવીન્દ્ર ચવ્હાણ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો? એવો સવાલ તેમણે કર્યો હતો.

મૂક મોરચાને પરવાનગી આપવામાં આવી હતી તો પછી સત્યાચા મોરચાને કેમ નકારવામાં આવી એવો પણ સવાલ ઉપસ્થિત થાય છે. આ બધું જોઈને એવો સવાલ થાય છે તે શું ગૃહ ખાતું ભાજપની કચેરીમાંથી ચલાવવામાં આવે છે?
આ જ મુદ્દે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના નેતા સંદીપ દેશપાંડેએ પોલીસની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે આંદોલન કર્યું હતું અને અમારી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ઠીક છે, પરંતુ ભાજપે પણ વગર પરવાનગીએ મોરચો કાઢ્યો હતો, તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો?

બીજી તરફ ભાજપે બંને નેતાઓને જવાબ આપતાં કહ્યું હતું કે ભાજપનું આંદોલન શાંતીપુર્ણ હતું. ક્યાંય ટ્રાફિક જૅમ થયો નહોતો. સામાન્ય લોકોને કોઈ તકલીફનો સામનો કરવો પડ્યો નહોતો.

તેમણે એમ પણ કહ્યું હતું કે જે લોકોએ મુંબઈગરાને બાન પકડ્યા હતા, તેમને તકલીફ પડે એવું કૃત્ય કર્યું હતું તેમની સામે જ ગુના નોંધવામાં આવ્યા હતા. કાયદો બધાને માટે એકસરખો છે.

આ પણ વાંચો…મતદાર યાદી પર એમવીએ-મનસે દ્વારા ‘સત્યાચા મોરચા’:ઉદ્ધવ, રાજ અને શરદ પવારે ચૂંટણી પંચ પર ટીકા કરી…

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button