એનસીબીએ પનવેલમાં નાઈજીરિયન મહિલાની ધરપકડ કરી: કરોડોનું ડ્રગ્સ જપ્ત

થાણે: નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)ના બેંગલુરુ યુનિટના અધિકારીઓએ રાયગડ જિલ્લાના પનવેલ ખાતેથી નાઈજીરિયન મહિલાને પકડી પાડી કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું.
મળેલી માહિતીને આધારે પોલીસે એનસીબીના અધિકારીઓ સાથે છટકું ગોઠવી પનવેલ રેલવે સ્ટેશનેથી શુક્રવારે મહિલાને પકડી પાડી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના સેન્ટ્રલ ઝોનનાં ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રજ્ઞા ઝેડગેએ જણાવ્યું હતું કે નાઈજીરિયન મહિલા હરિયાણાના ફરિદાબાદથી પનવેલ તરફ ડ્રગ્સના ક્ધસાઈન્મેન્ટ સાથે આવી રહી હોવાની માહિતી એનસીબીના બેંગલુરુના અધિકારીને મળી હતી.
આપણ વાંચો: 2025ના ચાર મહિનામાં મહારાષ્ટ્રમાં 153 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા: ફડણવીસ
માહિતીને આધારે મહિલાને ટ્રેસ કરવામાં આવી રહી હતી. મહિલા ટ્રેનમાં પનવેલ આવતી હોવાનું જાણવા મળ્યું હતું. છટકું ગોઠવી મહિલાને પનવેલ સ્ટેશનેથી તાબામાં લેવાઈ હતી.
વધુ કાર્યવાહી માટે બેગલુરુ લઈ જવા માટે ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવા મહિલાને સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવી હતી, એમ ઝેડગેએ જણાવ્યું હતું. જોકે મહિલા પાસેથી કયું અને કેટલા પ્રમાણમાં ડ્રગ્સ મળ્યું હતું તે અંગે પૂછવામાં આવતાં ડીસીપી ઝેડગેએ જણાવ્યું હતું કે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વધુ માહિતી આપી શકાશે.
જોકે સૂત્રોના જણાવ્યા મુજબ મહિલા પાસેથી 3.5 કિલો જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત અંદાજે 35 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. (પીટીઆઈ)