હોટેલ કર્મચારીઓને ભણાવાશે ફૂડ સેફ્ટીના પાઠ: ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટનો નિર્ણય
મુંબઇ: મુંબઇની ગલીએ ગલીએ વેચાતા વડાપાંઉ, પાણીપુરીથી લઇને ચાઇનીઝની રેકડીઓ અને નાની હોટેલથી સ્ટાર હોટલના વેટર્સ, શેફ મળીને તમામ વેચાણકર્તાઓને ફૂડ સેફ્ટીના પાઠ ભણાવવામાં આવનાર છે. હાલમાં જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ હોટેલની ચકાસણીની ઝૂંબેશની પાર્શ્વભૂમી પર સામાન્ય જનતાને ભેળસેળમુક્ત ભોજન મળે તે હેતુથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કમર કસી છે.
આ કામ માટે હોટલ મેનેજમેન્ટ સંસ્થા અને સંગઠનોનો સહકાર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે અંતર્ગત નવા વર્ષમાં મુંબઇ શહેર ઉપનગરોમાં તબક્કાવાર વેચાણકર્તાઓને એક્સપર્ટ દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે. ઉપરાંત ફૂડ સેફ્ટી બાબતે જનજાગૃતી લાવવાના પ્રયાસો કરવામાં આવનાર છે.
આ પ્રયાસ હેઠળ કેટલાંક નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં રેકડી પર ખાદ્યપદાર્થો વેચનારે એપ્રન, હેન્ડ ગ્લોવ્ઝ, હેડકેપ વાપરવી, સ્વચ્છતા રાખવી, કચરા પેટીઓ ઢાંકી રાખવી વગેરે જેવા વિષયોની તાલીમ આપવામાં આવશે. ઉપરાંત ખાદ્ય પદાર્થોનો કાચો માલ ખરીદવાથી ડિશ તૈયાર કરવા સુધી, સંચયની પ્રક્રિયા, ખાદ્યતેલનો વપરાશ અને કોઇ પણ રેડી ડિશ ગ્રાહકોને આપવા સુધી કેવી અને શું કાળજી રાખવી તે અંગેની તાલીમ રેકડીવાળાઓને આપવામાં આવશે.
પહેલા તબક્કા બાદ નાના મોટો હોટેલના કિચનમાં કામ કરતાં શેફ તથા મેનેજર અને હોટલના માલિકને પણ તબક્કાવાર તાલીમ આપવામાં આવશે. વડાપાઉં, પાણીપૂરી, અંડાભૂર્જી પાવ, ચાઇનીઝ જેવી વસ્તુઓ રેકડી પર વેચનારાઓને પહેલા તબક્કામાં તાલીમ આપવામાં આવશે. એવી જાણકારી ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના અન્ન વિભાગના આસિસ્ટન્ટ કમીશનર શૈલેશ આઢાવે આપી હતી.