આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મહારાષ્ટ્રમાં નવાજૂનીના એંધાણ, શિંદે જૂથના વિધાનસભ્ય ઠાકરે જૂથમાં પરત ફરવાનો દાવો

મુંબઇ: લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) પૂર્વે પક્ષ પલટાની મોસમ ચાલી રહી છે ત્યારે શિવસેના જૂથના 12 વિધાનસભ્ય ફરીથી ઉદ્ધવ ઠાકરેના જૂથમાં સામેલ થવાનો દાવો એક એડ્વોકેટ દ્વારા કરવામાં આવ્યો હતો. આ દાવો કરવામાં આવ્યા પછી તેની વિરુદ્ધ માનહાનિનો દાવો કરવાનો નિર્ણય શિંદે જૂથ દ્વારા કરવામાં આવ્યો છે. જો બે દિવસમાં પોતે આપેલા નિવેદન બદલ માફી માગવામાં નહીં આવે તો પછી માનહાનિનો કેસ દાખલ કરવામાં આવશે, તેવી નોટિસ શિંદે જૂથે તે એડ્વોકેટને મોકલાવી છે.

એડ્વોકેટે ચંદ્રપુર ખાતે એક સભાને સંબોધતા વખતે આ નિવેદન આપ્યું હતું અને તેમાં જે વિધાનસભ્યો એકનાથ શિંદે જૂથમાંથી ફરી પાછા ઉદ્ધવ ઠાકરે જૂથમાં સામેલ થવાના હતા તેની યાદી પણ જાહેર કરી હતી.

પહેલાથી જ મહાવિકાસ આઘાડી (એમવીએ)ના અનેક મોટા ગજાના નેતાઓ મહાયુતિના વિવિધ પક્ષો જેમ કે અજિત પવારની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી), શિંદે જૂથની શિવસેના અને ભાજપમાં સામેલ થયા છે ત્યારે આ નિવેદન અત્યંત સંવેદનશીલ માનવામાં આવી રહ્યું છે, કારણ કે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે અને આવા સમયમાં રાજકીય કાવાદાવા પણ પૂરજોશમાં કરવામાં આવી રહ્યા છે. જોકે, 12 વિધાનસભ્ય એકનાથ શિંદે જૂથ છોડીને જવાના હોવાના દાવાના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો ફેલાયો હતો અને આ વાતની નોંધ ગંભીરપણે લેવામાં આવી હતી.

મહારાષ્ટ્રમાં સૌથી પહેલા શિવસેનામાં શિંદે જૂથ દ્વારા બળવો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ એનસીપીમાં અજિત પવાર જૂથ દ્વારા બળવો કરીને પાર્ટીનું વિભાજન કરવામાં આવ્યું હતું. પાર્ટીનું વિભાજન થયા પછી પણ ભાજપ અને શિંદે જૂથમાં કોંગ્રેસ સહિતના વિધાનસભ્યોનો સમાવેશ થઈ રહ્યો છે, ત્યારે નવા ડેવલપમેન્ટને કારણે રાજકારણમાં ગરમાવો વધ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button