નવાબ મલિકને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, વચગાળાના જામીન છ મહિના લંબાયા

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુરુવારે મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિકના મની લોન્ડરિંગ કેસમાં વચગાળાના જામીન છ મહિના માટે લંબાવ્યા છે. જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી અને જસ્ટિસ પંકજ મિત્તલની બેન્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) માટે હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ કોઈ વાંધો નહી ઉઠાવતા મેડિકલ ગ્રાઉન્ડ પર મલિકને મંજૂર કરાયેલી જામીન લંબાવી હતી. ગયા વર્ષે 12 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે આ કેસમાં મલિકની વચગાળાની જામીન ત્રણ મહિના લંબાવી હતી.
મલિકે બોમ્બે હાઈકોર્ટના 13 જુલાઈ, 2023ના આદેશ સામે ટોચની કોર્ટમાં અરજી કરી હતી, જેમાં ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહેલા કેસમાં તબીબી આધાર પર જામીન નકારવામાં આવ્યા હતા. સર્વોચ્ચ અદાલતે અગાઉ કહ્યું હતું કે મલિક કિડનીની બિમારીથી પીડિત છે અને ગયા વર્ષે 11 ઓગસ્ટના રોજ તેમને બે મહિના માટે વચગાળાના જામીન મળ્યા ત્યારથી તેમની સ્થિતિમાં સુધારો થયો નથી. EDએ ફેબ્રુઆરી 2022માં ભાગેડુ માફિયા દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓની પ્રવૃત્તિઓ સાથે સંબંધિત એક કેસમાં મલિકની ધરપકડ કરી હતી. મલિકે હાઈકોર્ટ પાસે રાહત માંગી હતી અને દાવો કર્યો હતો કે તે ગંભીર કિડનીની બિમારી ઉપરાંત અન્ય ઘણી બિમારીઓથી પીડિત છે.
હાઈકોર્ટે કહ્યું હતું કે તે બે અઠવાડિયા પછી મેરિટના આધારે જામીનની વિનંતી કરતી તેમની અરજી પર સુનાવણી કરશે. મલિક વિરુદ્ધ EDનો કેસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા 1993ના મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોના મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ દાખલ કરવામાં આવેલી FIR પર આધારિત છે.