આમચી મુંબઈ

મલયેશિયાથી પ્રત્યર્પણ દ્વારા લવાયેલો ચિચકર નવી મુંબઈ પોલીસની કસ્ટડીમાં

થાણે: નવી મુંબઈમાંથી જપ્ત કરાયેલા ડ્રગ્સના કેસમાં મલયેશિયાથી પ્રત્યર્પણ દ્વારા ભારત લવાયેલા નવીન ચિચકરની નવી મુંબઈ પોલીસે બુધવારે કસ્ટડી મેળવી હતી. ગયા મહિને ભારત લાવવામાં આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ચિચકરની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ નવી મુંબઈમાંથી તાજેતરમાં જપ્ત કરાયેલા ગાંજાના કેસમાં ચિચકર મુખ્ય આરોપી છે.
મલયેશિયાથી ચિચકરને લાવવામાં આવ્યા પછી ‘આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ’ના સૂત્રધાર તરીકે નવી મુંબઈમાં રહેતા ચિચકર (35)ની એનસીબીએ ધરપકડ કરી હતી. એન્ટી-નાર્કોટિક્સ એજન્સીઓ દ્વારા નોંધવામાં આવેલા અનેક કેસમાં ચિચકર ફરાર હતો.

આ પણ વાંચો: ડ્રગ્સના દૂષણને નાથવા મહારાષ્ટ્ર પોલીસ સજ્જ: એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ…

ચિચકર દ્વારા ઑપરેટ કરાતા કાર્ટેલે કોકેન અને ગાંજા સહિત અંદાજે 1,128 કરોડ રૂપિયાના ડ્રગ્સનું ભારતમાં વેચાણ કર્યું હોવાનું કહેવાય છે. આ ડ્રગ્સ કાર્ગો શિપમેન્ટ્સથી અમેરિકાથી લાવવામાં આવ્યું હોવાનું તપાસમાં જણાયું હતું.

ભારત લાવવામાં આવ્યા પછી નવીન ચિચકરને નવી મુંબઈની તળોજા જેલમાં રાખવામાં આવ્યો હતો. ડ્રગ્સના કેસમાં નવી મુંબઈ પોલીસે બુધવારે તેની કસ્ટડી લીધી હતી, એમ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર ભાઉસાહેબ ઢોલેએ જણાવ્યું હતું.

ગાંજાના વેચાણ સંબંધી માહિતી મળ્યા પછી એન્ટી-નાર્કોટિક્સ સેલ દ્વારા નવી મુંબઈના નેરુળ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવાયો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં આરોપી તરીકે 32 જણનાં નામનો સમાવેશ કરાયો છે, જેમાંથી 18 આરોપીની ધરપકડ કરાઈ હતી. આ પ્રકરણમાં ચાર કિલો ડ્રગ્સ જ્પ્ત કરવામાં આવ્યું હતું.

(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh C Patel

મુંબઈ-સિટી-ડેસ્ક તેઓ દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક… More »
Back to top button