આમચી મુંબઈ

દુબઈના ઠગે નવી મુંબઈની મહિલા વ્યાવસાયિક પાસેથી 43 લાખ પડાવ્યા

થાણે: બિઝનેસમાં આકર્ષક રોકાણોની લાલચે નવી મુંબઈની મહિલા વ્યાવસાયિક સાથે 43.41 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી બદલ પોલીસે દુબઈના ઠગ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

આ પ્રકરણે નવી મુંબઈના જૂની પનવેલ વિસ્તારમાં રહેતી 44 વર્ષની મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. ઈ-કોમર્સનો વ્યવસાય ધરાવતી મહિલાની નજર 2023માં ઈન્સ્ટાગ્રામ પરની એક જાહેરખબર પર પડી હતી. પ્રેયર મેટ્સ અને ગાર્મેન્ટ્સની ડીલરશિપ માટેની આ જાહેરખબર હતી.

જાહેરખબર પરના વ્હૉટ્સઍપ નંબર પર મહિલાએ સંપર્ક સાધતાં સામે છેડેના શખસે તે દુબઈમાં હોવાનો દાવો કર્યો હતો. પછી મહિલાએ એ શખસ સાથે સંદેશવ્યવહાર ચાલુ રાખ્યો હતો. છેલ્લા અનેક મહિનાઓ દરમિયાન ઠગે મહિલાનો વિશ્ર્વાસ સંપાદન કર્યો હતો અને પછી બેચલર્સ માટેની રેન્ટલ પ્રોપર્ટીઝમાં વધારાના રોકાણ માટે તેને મનાવી લીધી હતી.

આ પણ વાંચો : બિલ્ડરના નામે બૅન્ક મૅનેજરને છેતર્યો: 19.86 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા

આની સામે ઘરદીઠ વર્ષે 1.20 લાખ રૂપિયાનો નફો થશે, એવું જણાવ્યું હતું. ઉપરાંત, 15 ટકાના નફાના માર્જિન સાથે રિસેલ માટે યુએસમાંથી સસ્તી કિંમતે લૅપટોપ્સ ખરીદવા મહિલાને લલચાવી હતી, એવું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

21 જૂન, 2023થી પાંચમી ફેબ્રુઆરી 2024 દરમિયાન ફરિયાદીએ પોતાની સાથે પિતા, પતિ અને બહેનનાં ખાતાંમાંથી 43.41 લાખ રૂપિયા અલગ અલગ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કર્યા હતા. પછી વારંવાર પૂછપરછ કરવા છતાં આરોપીએ કોઈ વળતર ચૂકવ્યું નહોતું. એ સિવાય ફરિયાદીની મૂળ રકમ પણ પાછી આપી નહોતી. આખરે પોતે છેતરાઈ હોવાની જાણ થતાં મહિલાએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ફરિયાદને આધારે 30 જાન્યુઆરીએ શખસ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button