ટ્રેનમાં વિદ્યાર્થિનીના હાથમાં 15 દિવસનું બાળક પકડાવી મહિલા છૂ

- યોગેશ સી. પટેલ
મુંબઈ: ત્રણ દિવસની બાળકીને બાસ્કેટમાં મૂકી રસ્તા પર છોડી દેવાની ઘટનાના બે દિવસમાં જ નવી મુંબઈમાં ફરી બાળકને ત્યજી દેવાની ઘટના બની હતી. લોકલ ટ્રેનમાંથી ઊતરવામાં મદદ કરવાને બહાને કૉલેજની વિદ્યાર્થિનીઓને પંદર દિવસનો બાળક સોંપી એક મહિલા રફુચક્કર થઈ જતાં પોલીસે તેની શોધ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના સોમવારની બપોરે હાર્બર લાઈનના જુઈનગર સ્ટેશન પાસે બની હતી. કૉલેજની બન્ને વિદ્યાર્થિની છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી પનવેલ જવા માટે લોકલ ટ્રેનમાં બેઠી હતી.
ફરિયાદમાં જણાવાયું હતું કે પંદર દિવસના બાળક સાથે ટ્રેનમાં ચઢેલી મહિલાએ કૉલેજની વિદ્યાર્થિનીને જુઈનગર સ્ટેશને ઊતરવામાં મદદ કરવાની વિનંતી કરી હતી. ટ્રેન જુઈનગર સ્ટેશન નજીક પહોંચી ત્યારે મહિલા બાળકને લઈ સીટ પરથી ઊભી થઈ હતી.
આ પણ વાંચો: આંધ્ર પ્રદેશમાં ટ્રેનમાં લૂંટનો પ્રયાસ નિષ્ફળ: પોલીસનો હવામાં ગોળીબાર
પોતાની પાસે ઘણો સામાન હોવાનું કહીને મહિલાએ બાળક બન્ને વિદ્યાર્થિનીને સોંપ્યો હતો. ટ્રેન સ્ટેશને પહોંચી ત્યારે વિદ્યાર્થિનીઓ બાળક સાથે મહિલા કરતાં પહેલાં ટ્રેનમાંથી ઊતરી હતી. પ્લૅટફોર્મ પર ઊભી રહીને બન્ને રાહ જોતી હતી, પણ મહિલા ટ્રેનમાંથી ઊતરી જ નહીં. ટ્રેન પસાર થઈ ગયા પછી ડરી ગયેલી વિદ્યાર્થિનીઓએ પોલીસની મદદ માગી હતી.
પોલીસે તાત્કાલિક સ્ટેશનો પરના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. પોલીસના કહેવા મુજબ જુઈનગર બાદના નેરુળ કે સીવૂડ સ્ટેશને પણ મહિલા ટ્રેનમાંથી ઊતરી નહોતી. પોલીસને ખાતરી થઈ હતી કે મહિલા બાળકને ત્યજી રફુચક્કર થઈ ગઈ હતી. આ મામલે વાશી જીઆરપીએ અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે શનિવારે પણ નવી મુંબઈમાં પનવેલ ખાતેની તક્કા કોલોની નજીક બાસ્કેટમાં ત્રણ દિવસની બાળકી છોડી દેવામાં આવી હતી. બાદમાં પોલીસે બાળકીના પિતાને તાબામાં લઈ માતાને નોટિસ પણ બજાવી હતી.