છૂટાછેડા ન આપનારા પતિથી છુટકારો મેળવવા પત્નીએ તેને મારી નાખ્યો…
મહિલા સહિત ત્રણની ધરપકડ: દંપતીનો સગીર પુત્ર તાબામાં

થાણે: છૂટાછેડા ન આપનારા પતિથી છુટકારો મેળવવા પત્નીએ તેની હત્યાની યોજના ઘડી કાઢી હોવાની ઘટના નવી મુંબઈમાં બની હતી. ગળું દબાવી હત્યા કર્યા બાદ પતિના મૃતદેહને ખાડી પરના બ્રિજ પર ફેંકનારી પત્ની સહિત ત્રણ જણની પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે દંપતીના સગીર પુત્રને પણ તાબામાં લેવાયો હતો.
Also read : અમેરિકામાં કોમામાં સરી પડેલી નીલમ શિંદેના પરિવારને વિઝા મળ્યા; સુપ્રિયા સુળેનો આભાર માન્યો
ઉલવે પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ રેશમા સચિન મોરે (35), રિક્ષા ડ્રાઈવર રોહિત ટેમકર (35) અને પ્રથમેશ મ્હાત્રે તરીકે થઈ હતી. ઘટના રેશમાના સગીર પુત્રની નજર સામે બની હોવા છતાં તેણે ચુપકીદી સેવી હતી. પોલીસે 16 વર્ષના સગીર પુત્રને તાબામાં લઈ બાળસુધારગૃહમાં મોકલી આપ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ વાવળ ગામના ખાડી પરના બ્રિજ પરથી 23 ફેબ્રુઆરીએ સચિન મોરે (38)નો મૃતદેહ મળી આવ્યો હતો. આ પ્રકરણે ઉલવે પોલીસે એડીઆર નોંધ્યો હતો. પોલીસ સચિનની ઓળખ મેળવવાના પ્રયાસ કરતી હતી ત્યારે તેની પત્ની રેશમા પુત્ર સાથે એનઆરઆઈ સાગરી પોલીસ સ્ટેશને પહોંચી હતી. પતિ 22 ફેબ્રુઆરીથી ગુમ હોવાની ફરિયાદ રેશમાએ કરી હતી. જોકે પોલીસે મૃતદેહની તસવીર દેખાડતાં તે સચિનનો હોવાનો રેશમા અને તેના પુત્રએ ઓળખી કાઢ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મહિલાએ ઉડાઉ જવાબ આપતાં પોલીસને શંકા ગઈ હતી. પોલીસે મહિલાનો મોબાઈલ ફોનને તપાસ માટે તાબામાં લીધો હતો. એ સિવાય તેના મોબાઈલ કોલ ડેટા રેકોર્ડ્સ અને ઘર આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજની તપાસ કરવામાં આવી હતી.
બીજી બાજુ, ગળું દબાવીને સચિનની હત્યા કરાઈ હોવાનું પોસ્ટમોર્ટમના અહેવાલમાં જણાવાયું હતું. પોલીસે રેશમાને તાબામાં લઈ પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલ્યો હતો. પતિ સતત ત્રાસ આપતો હતો અને તે છૂટાછેડા માગતી હતી. જોકે સચિન છૂટાછેડા આપવા તૈયાર નહોતો. પરિણામે તેણે હત્યાની યોજના બનાવી હતી.
Also read : રાજ્યમાં કાયદો-વ્યવસ્થા જાળવવામાં સરકાર નિષ્ફળઃ જયંત પાટીલે સરકાર પર તાક્યું નિશાન
ઘટનાની રાતે રેશમાએ પતિ માટે બનાવેલા કારેલાંના જ્યુસમાં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી હતી. જ્યુસ પીને બેભાન થઈ ગયેલા પતિને રિક્ષામાં ખાડી પરના બ્રિજ પર લઈ જવાતો હતો ત્યારે રેશમાએ કાપડથી તેનું ગળું દબાવ્યું હતું. પછી શબને બ્રિજ પર ફેંકી આરોપી ત્યાંથી રવાના થઈ ગયા હતા. કોર્ટે ત્રણેય આરોપીને પાંચમી માર્ચ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.