નવી મુંબઈમાં પાણીની તંગી: શહેરી વિકાસ વિભાગની ચોરી અને નિષ્ફળતાને જવાબદાર ઠેરવી

મુંબઈ: મહારાષ્ટ્રના વનપ્રધાન અને સ્થાનિક ભાજપ (ભારતીય જનતા પાર્ટી) ધારાસભ્ય ગણેશ નાઈકે જણાવ્યું હતું કે નવી મુંબઈમાં પાણીની અછત “કેટલાક તત્વો” દ્વારા કરવામાં આવતી ચોરી અને શહેરી વિકાસ વિભાગ હેઠળના મ્યુનિસિપલ વહીવટીતંત્રની ઉદાસીનતાને કારણે છે. યોગાનુયોગ, શહેરી વિકાસ વિભાગ નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેના હાથ નીચે છે. નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન થાણે જિલ્લાનો એક ભાગ છે, જે શિંદેનો ગઢ છે.
“કેટલાક તત્વો બારવી ડેમમાંથી નવી મુંબઈના રોજના ૪૦ મિલિયન લિટર (એમએલડી) પાણીના હકદાર હિસ્સાની ચોરી કરી રહ્યા છે. આ જ તત્વો પછી નવી મુંબઈવાસીઓ પર પાણી બચાવવા કે તેનો યોગ્ય ઉપયોગ ન કરવા બદલ દોષારોપણ કરે છે,” તેમણે નાગરિક મુદ્દાઓ પર આયોજિત સમીક્ષા બેઠક દરમિયાન જણાવ્યું હતું.
આ પણ વાંચો: થાણે અને ભિવંડીમાં મંગળવારે પાણી પુરવઠો બંધ રહેશે…
“નવી મુંબઈમાં હાલમાં કોઈ ચૂંટાયેલ મ્યુનિસિપલ ગૃહ નથી, તેથી વહીવટી ભૂલો માટે કોર્પોરેટરોને દોષી ઠેરવી શકાય નહીં. આ પાણીની અછત અને ધીમી નાગરિક પ્રગતિ મ્યુનિસિપલ વહીવટની નિષ્ફળતા દર્શાવે છે, જે શહેરી વિકાસ વિભાગ હેઠળ છે,” તેમણે તેમના કાર્યાલયમાંથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં દાવો કર્યો હતો.
નાઈકે જણાવ્યું હતું કે તેમણે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, જળ સંસાધન પ્રધાન ગિરીશ મહાજન અને મ્યુનિસિપલ વહીવટીતંત્ર પાસેથી છેલ્લા પાંચ વર્ષ અને આઠ મહિનાથી નવી મુંબઈના બાકી રહેલા પાણી પુરવઠાનો ઔપચારિક રીતે હિસાબ માંગ્યો છે.
“રાયગઢમાં પ્રસ્તાવિત પોશીર ડેમમાં નવી મુંબઈ માટે ૫૦૦ એમએલડી પાણીનો અનામત સંગ્રહ રાખવામાં આવ્યો છે, જે શહેરની લાંબા ગાળાની જરૂરિયાતોને ઉકેલવામાં મદદ કરશે,” નાઈકે જણાવ્યું હતું.