નવી મુંબઈમાં શિંદે-નાઈક હાથ મિલાવશે?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને વનમંત્રી ગણેશ નાઈક વચ્ચે વર્ષોથી નવી મુંબઈ અને થાણેમાં પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા રહેલી રાજકીય સ્પર્ધાને કારણે આગામી દિવસોમાં થનારી નવી મુંબઈ અને થાણે મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેમના પક્ષે યુતિ નહીં કરતા સ્વબળે ચૂંટણી લડવાની તેમના સમર્થકોની માગણી હતી. જોકે તેને કારણે ચૂંટણીમાં ભારે નુકસાન થવાના ડરે ભાજપના સિનિયર નેતાઓની ભારે સમજાવટ બાદ શિંદે અને નાઈકે તેમના વચ્ચે કોઈ ગેરસમજ ન હોવાનો દાવો કરી રહ્યા છે. ચૂંટણી સાથે લડવાને મુદ્દે અને બેઠકની વહેંચણી બાબતે જોકે હજી બંને પક્ષ તરફથી કોઈ ચોખવટ કરવામાં આવી નથી, છતાં બંને નેતાઓના સમર્થકો હજી પણ સ્વબળે લડી લેવા માગતા હોવાનું માનવામાં આવે છે.
નવી મુંબઈમાં મહાપાલિકાની સ્થાપના થઈ ત્યારથી સત્તામાં કોઈ પણ રાજકીય પક્ષ આવ્યો હોય પણ નવી મુંબઈમાં વર્ષોને વર્ષોથી ગણેશ નાઈકનું જ વર્ચસ્વ રહ્યું છે. અગાઉ શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાં રહેલા અને ત્યારબાદ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા ગણેશ નાઈકના નવી મુંબઈના ગઢને તોડવા માટે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના છેલ્લાં અનેક વર્ષોના પ્રયાસ નિષ્ફળ રહ્યા છે. એક તબક્કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ બંને નેતાઓ એકબીજા સામે ટકરાશે એેવું જોરદાર ચર્ચાઈ રહ્યું હતું.
થાણે અને નવી મુંબઈમાં ગણેશ નાઈક અને તેમના સમર્થકોનો શિંદે પક્ષ સાથે યુતિ કરવા સામે જોરદાર વિરોધ રહ્યો છે. ભાજપ અને શિંદે સેના બંનેએ સ્વબળે નવી મુંબઈ મહાનગરપાલિકાની સત્તા મેળવવા માટે મહાવિકાસ આઘાડીના ઉદ્વવ ઠાકરેની સેના અને કૉંગ્રેસ સહિત શરદ પવારના રાષ્ટ્રવાદી કૉંગ્રેસના ઉમેદવારને ફોડીને પોતાના પક્ષમાં પ્રવેશ કરાવ્યો છે. તેમ જ સ્થાનિક સ્તરે પણ તેમનો હાથ ઉપર હોવાના દાવા સાથે પક્ષના સ્થાનિક પદાધિકારીઓ સ્વબળે ચૂંટણી લડીને સત્તા મેળવવાનું સપનું જોઈ રહ્યા છે.
જોકે બંને નેતાઓ વચ્ચેના આપસી ઝઘડાને કારણે પક્ષને ફટકો પડી શકે છે. તેથી ભાજપના સિનિયર નેતાઓની ભારે સમજાવટ બાદ તાત્પૂરતા સમય માટે બંને નેતાઓએ પોતાની જૂની દુશ્મનાવટ ભૂલવા તૈયાર થયા હોવાનું જાણવા મળ્યું છે. ભાજપના સિનિયર નેતાઓની સમજાવટ બાદ તાજેતરમાં ગણેશ નાઈકે એકનાથ શિંદેની મુલાકાત લઈને થાણે અને નવી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં યુતિ બાબતે ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે.
સતત પાંચ રાજકીય પક્ષો સત્તાથી દૂર રહ્યા
નવી મુંબઈમાં કુલ ૨૮ વોર્ડ છે અને નગરસેવકોની સંખ્યા ૧૧૧ છે. નવી મુંબઈમાં કોરોનાને કારણે નવી મુંબઈ મહાનગરપાલિકામાં સાત મે, ૨૦૨૦થી પ્રશાસક પાલિકાનો કારભાર સંભાળી રહ્યા છે. નવી મુંબઈ મહાનગરપાલિકાની સ્થાપના બાદ પહેલી વખત લાંબા સમય સુધી પ્રશાસક રહ્યા છે. આ પાંચ વર્ષના સમયગાળામાં નવી મુંબઈ મહાનગરપાલિકામાં ત્રણ કમિશનરે પ્રશાસક તરીકે સેવા આપી હતી અને હવે પાંચ વર્ષના લાંબા ગાળા બાદ નવી મુંબઈ મહાનગરપાલિકામાં દરેક રાજકીય પક્ષો સત્તા મેળવવા માટે એકબીજાને જોરદાર ટક્કર આપતા જોવા મળશે.
કોની પાસે સત્તા જશે
અગાઉ નવી મુંબઈ મહાનગરપાલિકામાં સંયુક્ત રાષ્ટ્રવાદી કૉંગ્રેસની સત્તા હતી અને તે સમયે રાષ્ટ્રવાદીનું સુકાન ગણેશ નાઈક પાસે હતું. પક્ષના બાવન નગરસેવક હતા. સંયુક્ત શિવસેનાના ૩૮, કૉંગ્રેસના ૧૦ અને ભાજપના છ નગરસેવક તો અપક્ષના પાંચ નગરસેવક હતા.



