નવી મુંબઈવાસીઓ માટે સારા સમાચાર! સબર્બન રેલવેમાં વધુ એક રેલવે સ્ટેશનનો થશે ઉમેરો

NMIA ની કનેક્ટિવિટી માટે મહત્ત્વનું, આ સ્ટેશન ‘મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ’ તરીકે ડિઝાઇન કરાયું
મુંબઈ/નવી મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેનું નેટવર્ક ધીમે ધીમે વિસ્તરી રહ્યું છે, જેમાં વધુ એક નવા રેલવે સ્ટેશનનો ઉમેરો કરવામાં આવશે. બહુપ્રતિક્ષિત નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આઠમી ઓક્ટોબરના કાર્યરત થવાની અપેક્ષા છે. ત્યારે એરપોર્ટથી સૌથી નજીકનું તારઘર રેલવે સ્ટેશન, શહેર અને ઔદ્યોગિક વિકાસ નિગમ (CIDCO) અને મધ્ય રેલવે અધિકારીઓ દ્વારા અંતિમ નિરીક્ષણ માટે તૈયાર છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
તારઘર રેલવે સ્ટેશનની પહેલી ઝલક
લગભગ 2 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલા, આ સ્ટેશનને એક અદ્યતન પરિવહન કેન્દ્ર તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. અધિકારીઓ જણાવે છે કે આ સ્ટેશન હાર્બર લાઇન, ટૂંક સમયમાં બની રહેલી કોસ્ટલ મેટ્રો અને આયોજિત એરપોર્ટ સ્કાયટ્રેનને જોડતા એક મહત્વપૂર્ણ ઇન્ટરચેન્જ હબ તરીકે, હવાઈ મુસાફરો અને નિયમિત મુસાફરો બંને માટે ઉપયોગી થશે.
તારઘર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર એસ્કેલેટર અને અન્ય ઇલેક્ટ્રિક ઉપકરણો બેસાડવામાં આવ્યા છે. આ રેલવે સ્ટેશન નવી મુંબઈ ડીબી પાટિલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પાંચ કિમી દૂર હોવાથી NMIAની કનેક્ટિવિટી માટે મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો: મુંબઈની લોકલ ટ્રેનોમાં લાગશે ‘ઓટોમેટિક ક્લોઝ ડોર’: રેલવે અકસ્માતો ઘટાડવા નવતર પ્રયોગ હાથ ધરાયો
સ્ટેશનમાં 3 નાના પ્લેટફોર્મ અને 2 ટર્મિનલ પ્લેટફોર્મનો સમાવેશ
સ્ટેશનમાં 50,000 ચોરસ ફૂટથી વધુનો કોનકોર્સ વિસ્તાર છે, જ્યારે તેની છત પેરામેટ્રિક ડિઝાઇનમાં પોલીકાર્બોનેટ શીટની બનેલી છે, જે તેને એક વિશાળ, આધુનિક દેખાવ આપે છે. 7.5 મીટર પહોળા બે પેસેજવે, પ્લેટફોર્મને સ્ટેશનના ફોરકોર્ટ અને આસપાસના વિસ્તારો સાથે જોડે છે.
પાંચ પ્લેટફોર્મમાં ત્રણ નાના પ્લેટફોર્મ અને બે ટર્મિનલ પ્લેટફોર્મનો સમાવેશ થાય છે જે 270 મીટરથી વધુ લાંબા છે. મુસાફરોની સુવિધા માટે, સ્ટેશન પર ટિકિટ ઓફિસની નજીક વેઇટિંગ એરિયા છે,જ્યાં ફુડકોર્ટની સુવિધા પણ છે. દિવ્યાંગો મટે વિશિષ્ટ જોગવાઈઓ સાથે શૌચાલય બનાવવામાં આવ્યા છે. 720 કારને સમાવી શકાય તેવી મોટી પે-એન્ડ-પાર્ક સુવિધા પણ આપવામાં આવી છે. બસ, કાર અને ઓટોરિક્ષાઓ માટે એક અલગ ડ્રોપ-ઓફ ઝોન, જેમાં વેઇટિંગ લેન પણ છે.
આ પણ વાંચો: મુંબઈના સૌથી મોટા રેલવે સ્ટેશનની થશે કાયાપલટ: 18 નંબરનું પ્લેટફોર્મ 80 દિવસ માટે બંધ!
‘મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ’ તરીકે ડિઝાઇન કર્યું છે
તારઘર સ્ટેશનને ફક્ત એક રેલવે સ્ટેશન તરીકે જ નહીં, પરંતુ ‘મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ’ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેનું સ્ટેશન અને ભવિષ્યના પરિવહન માર્ગો સાથેનું જોડાણ તેને નવા એરપોર્ટ માટે મહત્વપૂર્ણ બનાવે છે.
માળખાકીય કાર્ય પૂર્ણ થઈ ગયું છે. મુસાફરો માટેની સુવિધાઓ, સબ-વે અને પ્લેટફોર્મ ફિટિંગ પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. સિડકો અને મધ્ય રેલ્વે દ્વારા અંતિમ નિરીક્ષણ બાદ નક્કી થશે કે તેને મુસાફરો માટે સત્તાવાર રીતે ક્યારે ખોલવામાં આવે, એમ અધિકારીએ જણાવ્યું હતું.