
થાણે: નવી મુંબઈના વાશી વિસ્તારમાં મરાઠીમાં બોલવા બાબતે ઝઘડો થયા બાદ 20 વર્ષના વિદ્યાર્થી પર હૉકી સ્ટિકથી હુમલો કરવા બદલ ચાર જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
વાશીમાં આવેલી કોલેજની બહાર મંગળવારે સવારે 10.30 વાગ્યે આ ઘટના બની હતી. ઐરોલીના પવને ગામમાં રહેતા વિદ્યાર્થીએ આ પ્રકરણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ફૈઝાન નાઇક નામના આરોપીએ મરાઠીમાં બોલવા સામે વાંધો ઉઠાવ્યા બાદ ઝઘડો શરૂ થયો હતો, જે ઉગ્ર બનતાં નાઇક સહિત ચાર જણે વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો, એમ વાશી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: ‘મરાઠી બોલો નહીં તો નીકળી જાઓ…’ ભાષા વિવાદ લોકલ ટ્રેનમાં પહોંચ્યો; મહિલાઓ ઝઘડી પડી
મુખ્ય આરોપીએ વિદ્યાર્થીના માથામાં હૉકી સ્ટિક ફટકારી દેતાં તેને ગંભીર ઇજા થઇ હતી, જ્યારે અન્ય આરોપીઓએ વિદ્યાર્થીને બેરહેમીથી માર માર્યો હતો. વિદ્યાર્થીને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપીને તેને લોહીલુહાણ હાલતમાં છોડીને આરોપીઓ જતા રહ્યા હતા.
વિદ્યાર્થીની ફરિયાદને આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
અમે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ટૂંક સમયમાં પકડી પાડવામાં આવશે. વિદ્યાર્થીની તબીબી તપાસ કરવામાં આવી છે અને તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)