નવી મુંબઈમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી મુંબઈમાં દહિસર વિસ્તારમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં શુક્રવારે મોડી રાત બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી પણ ગોડાઉનમાં રહેલો માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો.લગભગ નવ કલાકે આગ નિયંત્રણમાં આવી હતી. જોકે કૂલિંગ ઓપરેશન મોડે સુધી ચાલ્યું હતું.
નવી મુંબઈના દહિસર વિસ્તારમાં ઠાકુર પાડામાં પિંપરી ઈરાની મસ્જિદ સામે ગોડાઉન આવેલાં છે. શુક્રવારે મોડી રાતના ૧.૧૯ વાગે પ્લાસ્ટિક સહિત અન્ય ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ભંગારનો સામાન હોવાથી આગ ઝડપભેર લગભગ પચીસ ત્રીસ ગોડાઉનમાં ફેલાઈ હતી. આગ ભીષણ હોવાથી તેને બુઝાવવા માટે કોપરખૈરાણે ફાયરબ્રિગેડ, સીબીડી બેલાપુર સહિત કળંબોલી, નેરુળ, વાશી અને અને થાણે ફાયરબ્રિગેડથી ગાડીઓ રવાના કરવામાં આવી હતી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ઘટના સ્થળે તાત્પૂરતા સ્વરૂપમાં પતરાનાં શેડ બનાવીને ઊભા કરાયેલાં ડામર, પ્લાસ્ટિકના ડ્રમ, ખાલી પતરાના ડ્રમ, કૉમ્પ્રેસર સહિત અન્ય ભંગારના પચીસ ત્રીસ ગોડાઉનમાં લાગી હતી. આગમાં તમામ ગોડાઉન અને માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
આ પણ વાંચો: વિદ્યાવિહાર સ્ટેશન બહારના તક્ષશિલા બિલ્ડિંગમાં ભીષણ આગ,રહેવાસીઓને બચાવવા જતા સિક્યોરિટી ગાર્ડે જીવ ગુમાવ્યો
શુક્રવારના મોડી રાતના લાગેલી આગ છેક નવ કલાકે એટલે કે શનિવારે સવારના ૧૦.૩૦વાગે નિયંત્રણમાં આવી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.