સ્કૂલ વૅનમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટનાથી વાલીઓ ભડક્યા: શાળા બહાર વિરોધ પ્રદર્શન…

થાણે: સ્કૂલ વૅનમાં ચાર વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટનાની જાણ થતાં ભડકેલા વાલીઓ નવી મુંબઈની પ્રતિષ્ઠિત સ્કૂલ બહાર ભેગા થયા હતા અને શાળાના સત્તાવાળાઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્લેકાર્ડ્સ સાથે સૂત્રોચ્ચાર કરનારા વાલીઓએ પ્રિન્સિપાલની હકાલપટ્ટી કરવાની માગણી કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ વિદ્યાર્થિની સાથે કથિત ઘટના 22 એપ્રિલે બની હતી. આ પ્રકરણે ફરિયાદને આધારે આરોપી ડ્રાઈવર સંજીત દાસ વિરુદ્ધ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી.
દરમિયાન સ્કૂલ વૅનમાં વિદ્યાર્થિની સાથે કુકર્મની વાત ફેલાતાં સોમવારની સવારે નવી મુંબઈની સ્કૂલ બહાર મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થયા હતા. અમુક વાલીઓના હાથમાં પ્લેકાર્ડ્સ હતાં તો અમુકે કાળી રિબન બાંધી વિરોધ દર્શાવ્યો હતો. વાલીઓએ સૂત્રોચ્ચાર પણ કરી પ્રિન્સિપાલની હકાલપટ્ટી કરવાની માગણી કરી હતી.
વાલીઓના જણાવ્યા મુજબ આ ગંભીર મુદ્દો હોવા છતાં શાળાના વ્યવસ્થાપકો અને પ્રિન્સિપાલે ઢીલું વર્તન અપનાવી રહ્યા છે. તેમણે કોઈ પણ બાંયધરી આપી નથી. તેથી અમારાં સંતાનો સાથે આવી ઘટના ફરી ન બને તેની અમે કઈ રીતે ખાતરી રાખી શકીએ? આ મુદ્દે શાળાના વ્યવસ્થાપકોની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ પત્રકારોની વિનંતીનો કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નહોતો. (પીટીઆઈ)
આપણ વાંચો : યુવતી પર બળાત્કાર ગુજારવા, તેના ત્રાસ આપવા બદલ આઇટી પ્રોફેશનલની ધરપકડ…