નવી મુંબઈના રાહેજા રેસિડેન્સીની આગમાં છ વર્ષની બાળકી સહિત ચારનાં મોત આગ લાગ્યા બાદ બહાર નીકળવાને બદલે ઘરમાં રહેતા જીવ ખોવો પડયો

બિલ્ડિંગનું ફાયર ઓડિટ કરવામાં આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી મુંબઈમાં બહુમાળીય રહેણાંક બિલ્ડિંગમાં સોમવારે મોડી રાતના લાગેલી આગમાં પડોશીની ઘરની બહાર નીકળવાની વિનંતીને નહીં ગણકારતા ઘરમાં જ સુરક્ષિત રહેવાની ખોટી જીદમાં બાલકૃષ્ણન પરિવારે જીવ ગુમાવ્યો હતો.
વાશીના સેકટર ૧૪માં આવેલા એમજીએમ કૉમ્પ્લેક્સની રાહેજા રેસિડેન્સીમાં ૧૦ માળા પરના ફ્લેટમાં શુક્રવારે રાતના ૧૨.૩૦ વાગે આગ ફાટી નીકળી હતી, જેમાં બારમા માળા પર રહેતી છ વર્ષની બાળકી સહિત તેના માતા-પિતા અને દસમા માળા પર રહેતા ૮૪ વર્ષના સિનિયર સિટિઝન મહિલાનાં મોત થયા હતા અને બિલ્ડિંગના ૧૦થી વધુ રહેવાસીઓના શ્ર્વાસમાં ધુમાડો જતા તેમને ગૂંગળામણની તકલીફ થઈ હતી.
લગભગ ચાર કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. મળેલ માહિતી મુજબ બિલ્ડિંગની ફાયર સેફટી સિસ્ટમ બરોબર કામ કરતી ન હોવાનું જણાઈ આવતા નવી મુંબઈ ફાયરબ્રિગેડ તેમને નોટિસ ફટકારશે તેમ જ બિલ્િંડગમાં ફાયર ઓડિટ પણ કરશે.
આ પણ વાંચો : દિવાળીની રાત્રે દિલ્હીના મકાનમાં ભીષણ આગ: ૭ લોકોનો હેમખેમ બચાવ
નવી મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ શુક્રવારે રાતના ૧૨.૩૦ વાગ્યાની આસપાસ વાશીના સેકટર ૧૪માં આવેલા એમજીએમ કૉમ્પ્લેક્સની બાર માળાની રાહેજા રેસિડેન્સીમાં ૧૦ માળા પરના ફ્લેટમાં આગ ફાટી નીકળી હતી. આગ ઝડપભેર ૧૧ અને ૧૨ માળ સુધી ફેલાઈ ગઈ હતી. આગ લાગ્યા બાદ બિલ્િંડગના કોરીડોરમાં ધુમાડો ફેલાઈ ગયો હતો.
આગની જાણ થતા ફાયરબિગ્રેડના ૪૦થી વધુ જવાન અને આઠ ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. બિલ્ડગમાં ઉપરના માળા પર ધુમાડો ફેલાઈ જતા રહેવાસીઓ બહાર નીકળી શકયા નહોતા અને ધુમાડાને કારણે સફોકેશનને કારણે તેમને ત્રાસ થયો હતો.
આ પણ વાંચો : થાણેમાં બહુમાળીય બિલ્ડિંગની બાલ્કનીમાં ફટાકડાને કારણે લાગી આગ…
વાશી ફાયરબ્રિગેડના સ્ટેશન ઓફિસર આર.આર. કોકાટાએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ત્યારે દસમા માળના એક ફ્લેટમાં આગ લાગી હતી અને તે ઝડપભેર ઉપરના ૧૧મા અને ૧૨ માળા સુધી ફેલાઈ હતી. આગને કારણે મોટા પ્રમાણમાં ધુમાડો ઉપર ફેલાઈ ગયો હતો. અમુક રહેવાસીઓ ધુમાડાને કારણે બહાર નીકળી શક્યા નહોતા. તેમને ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને બહાર કાઢયા હતા પણ ધુમાડો તેમના શ્ર્વાસમાં જતા ૧૦થી વધુ રહેવાસીઓને ગૂંગળામણની તકલીફ થતા તેમને હૉસ્પિટલાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતકોમાં દસમા માળા પર રહેતા સિનિયર સિટિઝન કમલા જૈન(૮૪) સહિત બારમા માળા પર રહેતી છ વર્ષની બાળકી વેદિકા બાલકૃષ્ણન સહિત તેના માતા-પિતા સુંદર બાલકૃષ્ણન (૪૪) અને પૂજા રાજન (૩૯) નો સમાવેશ થાય છે.
વહેલી સવારના લગભગ ૪.૩૦ વાગ્યાની આસપાસ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આગનુંં ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું તપાસ બાદ ચોક્કસ કારણ જાણી શકાશે પણ પ્રાથમિક અંદાજ મુજબ એસીમાં શોર્ટ સર્કિટ થયા બાદ આગ લાગી હોવી જોઈએ.
પથારીવશ વૃદ્ધાનું પણ મોત
ફાયરઓફિસરે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આગ અને ધુમાડાને કારણે ૧૨ માળા પર રહેતા બાલકૃષ્ણન પરિવારે ઘરની બહાર નીકળી જવાને બદલે ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. તેમના પડોશીએ તેમના ઘરનો દરવાજો ખટખટાવીને તેમને આગ લાગી હોઈ બહાર નીકળવા માટે કહ્યું હતું પણ તેમણે બહાર નીકળવાને બદલે તેઓ ઘરમાં જ સુરક્ષિત રહેશે કહીને બહાર નીકળવાની ના પાડી હતી અને દરવાજો બંધ કરીને બેડરૂમમાં બેસી રહ્યા હતા. આ દરમ્યાન આગ ઉપરના માળા સુધી ફેલાઈ હતી અને ઘુમાડો પણ મોટા પ્રમાણમાં નીકળ્યો હતો. ધુમાડો બંધ ઘરમાં જતા છ વર્ષની બાળકી સહિત પતિ-પત્નીના ગૂંગળામણને કારણે મૃત્યુ થયા હતા.
આ પણ વાંચો : મલાડના પઠાણવાડીમાં ગોડાઉનમાં ભીષણ આગ
પથારીવશ વૃદ્ધાનું પણ મોત
રહેજા રેસિડેન્સીની આગમાં ૮૪ વર્ષના વૃદ્ધા કમલા જૈનનું પણ મૃત્યુ થયું હતું. તેઓ ૧૦ માળા પર રહેતા હતા. છેલ્લા પાંચેક વર્ષથી તેઓ પથારીવશ જ હતા. આગ તેમના બાજુના ફ્લેટમાં લાગી તે પરિવાર સહિત અન્ય લોકો બહાર નીકળી ગયા હતા પણ કમલા જૈન વર્ષોથી બીમારીને કારણે પથારીવશ હોવાને કારણે બહાર નીકળી શકયા નહોતા અને તેમનું ગૂંગણામણને કારણે મૃત્યુ થયું હતું.
બિલ્ડિંગની ફાયર બ્રિગેડની નોટિસ
શુક્રવાર રાતના આગ લાગ્યા બાદ ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને બિલ્ડિંગની ફાયર સેફટી સિસ્ટમની મદદથી આગ બુઝાવવાના પ્રયાસ કર્યા હતા પણ ગ્રાઉન્ડ ફલોર પરના પાણી પાઈપને ગ્રેવીટી ન હોવાને કારણે ઉપરના માળા સુધી પાણીનો છંટકાવ કરી શકાયો નહોતા. ફાયર સેફટી સિસ્ટમ બરોબર કામ કરતી ન હોવાનું જણાયું છે. ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ બિલ્ડિંગને નોટીસ આપવામાં આવશે તેમ જ આગામી દિવસમાં ફાયર બ્રિગેડ દ્વારા ફાયર ઓડિટ કરવામાં આવશે.