ચીન અને કમ્બોડિયા સુધી ફેલાયેલા શૅર ટ્રેડિંગ ફ્રોડનો પર્દાફાશ: સાત પકડાયા

થાણે: નવી મુંબઈ પોલીસે ચીન અને કમ્બોડિયાના સાયબર ક્રિમિનલો સાથે કથિત રીતે કડી ધરાવતા શૅર ટ્રેડિંગ ફ્રોડના નેટવર્કનો પર્દાફાશ કરી રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા પડાવનારા સાત જણની ધરપકડ કરી હતી.
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન હાથ લાગેલી વિગતોને આધારે સાયબર પોલીસે દેશનાં વિવિધ રાજ્યોમાં 118 બૅન્ક ખાતાં સીલ કર્યાં હતાં. આ કાર્યવાહીને કારણે નાગરિકોને છેતરીને પડાવવામાં આવેલા 32.5 લાખ રૂપિયા બચાવી લેવામાં આવ્યા હતા.
શૅર ટ્રેડિંગમાં આકર્ષક વળતરને નામે નવી મુંબઈના ફરિયાદી સાથે 1.07 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસની તપાસ દરમિયાન સાયબર પોલીસે આ નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.
આ પણ વાંચો: થાણેના યુવકે શૅર ટ્રેડિંગ ફ્રોડમાં 37 લાખ ગુમાવ્યા: ગુનો દાખલ
આરોપીઓએ બીજી સપ્ટેમ્બરથી નવમી ઑક્ટોબર દરમિયાન અનેક લોકોને ટાર્ગેટ કર્યા હતા. નાગરિકોને લલચાવવા માટે વિવિધ સોશ્યલ મીડિયા પ્લૅટફોર્મ પર શૅર માર્કેટ ટ્રેડિંગમાં રોકાણ સંબંધી જાહેરખબર પોસ્ટ કરી હતી. બાદમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે વિવિધ બૅન્ક ખાતાંમાં નાણાં ટ્રાન્સફર કરવાની ફરજ પડાતી હતી.
રોકાણ કરેલી રકમ પર મોટો નફો થયો હોવાનું દર્શાવવા આરોપી ફૅક ઍપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. નફો જોઈને લોકો વધુ નાણાં રોકવા લલચાતા હતા. જોકે રોકાણકારો નાણાં કઢાવવાનો પ્રયાસ કરતા તો આરોપીઓ ઇનકાર કરી દેતાં. નફો તો ઠીક, પોતાની મૂડી પણ રોકાણકારોને મળતી નહોતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: સિનિયર સિટિઝને શૅર ટ્રેડિંગ ફ્રોડમાં ગુમાવ્યા 72.98 લાખ રૂપિયા
આ પ્રકરણે સાયબર પોલીસે તપાસ હાથ ધરી અલગ અલગ હોટેલમાંથી સાત આરોપીને પકડી પાડ્યા હતા. આ નેટવર્ક ચીન અને કમ્બોડિયાના સાયબર ક્રિમિનલ સાથે જોડાયેલું હોવાનું પોલીસનું કહેવું છે.
આ પ્રકરણે સૌપ્રથમ પુણેથી સુરેશ તળેકર (29) અને તેના સાથી વિકાસ આવ્હાડ (30)ને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓની માહિતી પરથી પોલીસે મ્હાપે, કોપરખૈરાણે, એપીએમસી, વાશીની 35થી 40 હોટેલ અને લૉજમાં તપાસ કરી હતી. બાદમાં વાશીની એક હોટેલમાંથી પાંચ જણ પકડાયા હતા.
(પીટીઆઈ)



