
થાણે: પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક કેસમાં પિતાની ધરપકડ કરવાની કથિત ધમકી આપી પુત્ર પાસેથી લાંચ લેનારા નવી મુંબઈના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને તેના સાથીની એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ ધરપકડ કરી હતી. એસીબીના રાયગડ યુનિટના અધિકારીઓએ સોમવારે રાતે સબ-ઈન્સ્પેક્ટર સચિન વાઈકર અને તેના સાથી રવીન્દ્ર ભુટ્ટેને લાંચની રકમ સ્વીકારતાં રંગેહાથ પકડી પાડ્યા હતા. જૂની પનવેલના શિવાજી ચોક ખાતે એક કારમાં બેસીને લાંચની રકમ સ્વીકારવામાં આવી હતી, એમ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (એસીબી રાયગડ-અલીબાગ) સરિતા આઈએસ ભોસલેએ જણાવ્યું હતું.
ભોસલેના જણાવ્યા મુજબ વાઈકર પનવેલ શહેર પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતો. ફરિયાદીના પિતા વિરુદ્ધ એક ગુનાની નોંધ થઈ હતી. વાઈકરે ફરિયાદીને ધમકી આપી હતી કે પનવેલ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પિતાની ધરપકડ કરવામાં આવશે. તેમની વિરુદ્ધ વધારાની કલમો લગાવવામાં આવશે અને આગોતરા જામીન ન મળે તેવો કેસ બનાવવામાં આવશે.
વાઈકરે ફરિયાદી પાસેથી એક લાખ રૂપિયાની માગણી કરી હતી. તડજોડ બાદ 50 હજાર રૂપિયા સ્વીકારવાનું નક્કી થયું હતું. ફરિયાદીને લાંચ આપવાની ઇચ્છા ન હોવાથી એસીબીમાં ફરિયાદ કરી હતી. ફરિયાદની ખાતરી એસીબીએ સોમવારે છટકું ગોઠવ્યું હતું. (પીટીઆઈ)