દારૂ પીતી વખતે થયેલા ઝઘડામાં મિત્રોએ કરી યુવકની હત્યા…

યોગેશ ડી. પટેલ
થાણે: નવી મુંબઈમાં રાતે દારૂ પીતી વખતે થયેલા ઝઘડામાં મિત્રોએ પાઇપ અને કાચની બોટલથી હુમલો કરીને યુવકની હત્યા કરી હતી. પોલીસે આ પ્રકરણે એક આરોપીની ધરપકડ કરી હતી અને અન્ય બે જણની શોધ આદરી હતી.
મૃતકની ઓળખ 30થી 35 વર્ષની વયના પંડિત તરીકે થઇ હતી, જે તેના મિત્રો સાથે સોમવારે રાતે તુર્ભે નાકા નજીક બેલાપુર-વાશી હાઇવે પર બ્રિજ નીચે દારૂ પીવા બેઠો હતો.
દારૂ પીતી વખતે કોઇ બાબતને લઇ પંડિતે તેના મિત્રોને ગાળો ભાંડવાનું શરૂ કર્યુ હતું. આથી રોષે ભરાયેલા મિત્રોએ પંડિત પર પાઇપ અને કાચની તૂટેલી બોટલથી હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પંડિતનું મૃત્યુ થયું હતું.
દરમિયાન બનાવની જાણ થતાં તુર્ભે પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પંડિતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા બાદ આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરીને વિકી બડનેર નામના યુવકની ધરપકડ કરી હતી. પોલીસ ગુનામાં સંડોવાયેલા આર્યન અને રાજકુમારની હવે શોધ ચલાવી રહી છે. (પીટીઆઇ)
આ પણ વાંચો…હોટેલમાંથી પાર્સલ લઈ આવવાના વિવાદમાં મિત્રને પતાવી નાખ્યો…



