Ghatkopar Hoarding Tragedy બાદ સફાળી નવી મુંબઈ મહાપાલિકા, ત્રણ દિવસમાં આટલા હોર્ડિંગ હટાવ્યા…
નવી મુંબઈઃ મુંબઈના ઘાટકોપર ખાતે મસમોટું હોર્ડિંગ ધસી પડી જતાં 16 જણના મૃત્યુ થયા હતા અને આ દુર્ઘટના બાદ મુંબઈ મહાપાલિકા સહિત તમામ પાલિકાઓ સફાળી જાગી ઉઠી છે. દરમિયાન નવી મુંબઈ મહાપાલિકા દ્વારા આવા ગેરકાયદે હોર્ડિંગ પર કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે અને 3 દિવસમાં 30થી વધુ હોર્ડિંગ હટાવવામાં આવ્યા છે અને 300થી વધુ હોર્ડિંગ લગાવનારી કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે.
નવી મુંબઈ મહાપાલિકા અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મુંબઈના ઘાટકોપર ખાતે હોર્ડિંગ પડી જવાને કારણે 16 જણનો ભોગ લેવાયો હતો. આ દુર્ઘટનાને પગલે નવી મુંબઈ મહાપાલિકા દ્વારા ગેરકાયદે હોર્ડિંગ્સ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લાં ત્રણ દિવસમાં પાલિકા દ્વારા 31 ગેરકાયદે હોર્ડિંગ દૂર કરવામાં આવ્યા હતા અને 300થી વધુ ગેરકાયદે હોર્ડિંગ લગાવનાર કંપનીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
આ પણ વાંચો: Ghatkopar Hoarding Tragedy: 16 જણનો ભોગ લેનાર ભાવેશ ભિડે આખરે ત્રણ દિવસ સુધી ક્યાં હતો?
અધિકારીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું હજી આગામી પાંચ દિવસ સુધી આ રીતે હોર્ડિંગ હટાવવાની કાર્યવાહી ચાલુ જ રહેશે. 200 કર્મચારી અને અધિકારીઓ આ ડ્રાઈવમાં કામ કરી રહ્યા છે. આ ઉપરાંત 300 જેટલા અનધિકૃત હોર્ડિંગ લગાવનાર કંપનીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આ કાર્યવાહીની ટ્રાફિક પર કોઈ અસર ન જોવા મળે એ માટે હોર્ડિંગ હટાવવાના કામ મધરાતે કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 13મી મેના સોમવારે ઘાટકોપર ખાતે છેડા નગર ખાતે આવેલા પેટ્રોલ પંપ નજીક મસમોટું હોર્ડિંગ તૂટી પડતા હોનારત સર્જાઈ હતી. આ હોનારમાં 16 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો, જ્યારે 75 લોકોને ઈજા પહોંચી હતી. આ દુર્ઘટના માટે જવાબદાર એડવર્ટાઈઝિંગ કંપનીના માલિક ભાવેશ ભિંડેની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી હતી.