30મી ઓક્ટોબરે પીએમ મોદી આવશે નવી મુંબઈ, બેલાપુર-ઉરણ રેલ સેવાનું કરશે ઉદ્ઘાટન
આ હશે તેમનું શેડ્યુલ
મુંબઈઃ નવી મુંબઈ મેટ્રો અને બેલાપુર-ઉરણ રેલ સેવાના ઉદ્ઘાટનની છેલ્લા ઘણા સમયથી રાહ જોવામાં આવતી હતી, પરંતુ હવે આ કોરિડોરનું ઉદ્વાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 30 ઓક્ટોબરે કરવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવી મુંબઈ મેટ્રો અને બેલાપુર-ઉરણ રેલ સેવાનું ઉદ્ઘાટન કરશે. આ સાથે ‘નમો મહિલા સશક્તિકરણ’ અભિયાન પણ શરૂ કરવામાં આવશે. આ સાથે જ ઘણા દિવસોથી ચાલી રહેલી તારીખ નક્કી કરવાની ગૂંચવણનો આખરે અંત આવ્યો છે.
નરેન્દ્ર મોદી ‘નમો મહિલા શક્તિકરણ’ના રાષ્ટ્રવ્યાપી અભિયાન માટે નવી મુંબઈ આવી રહ્યા હોવાથી તેમના આગમન માટે જોરદાર તૈયારી કરવામાં આવી રહી છે. આ એક ભવ્ય સમારોહ હોવાથી તેના માટેનું સ્થળ પણ એટલું જ ભવ્ય હોય એ સ્વાભાવિક છે. નવી મુંબઈમાં ઉલવા નજીક આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણ સ્થળ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય સમારોહ યોજાય તેવી શક્યતા છે.
એપ્રિલ મહિનામાં ખારઘરના સેન્ટ્રલ પાર્ક મેદાનમાં વરિષ્ઠ અપ્પાસાહેબ ધર્માધિકારીના સન્માન સમારોહ દરમિયાન ઘણા લોકોને હીટસ્ટ્રોક આવ્યો હતો. હીટ સ્ટ્રોકના કારણે કેટલાક નાગરિકોના મોત થયા હતા.
હાલમાં ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે અને લોકો ઑક્ટોબર હિટથી પરેશાન છે, એવા સમયે આ કાર્યક્રમ માટે ઘણી સાવધાની વર્તવામાં આવી રહી છે.
આ સમારોહ માટે લગભગ 50 હેક્ટર જમીન લેવામાં આવી હોવાનું માનવામાં આવે છે. એક લાખથી વધુ વાહનો આવવાના હોવાથી તેમના પાર્કિંગ માટે 20 હેક્ટર જમીન આરક્ષિત રાખવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાનની સાથે સાથે મોદી મેટ્રો અને રેલ સેવાઓનું પણ ઉદ્ઘાટન કરશે.
આ ઉદ્ઘાટન બાદ નવી મુંબઈવાસીઓ સિડકોની બેલાપુરથી તલોજા મેટ્રો સેવાનો લાભ લઈ શકશે. ઉરણવાસીઓનું લોકલ સેવાનું ઘણા વર્ષોનું સ્વપ્ન પણ સાકાર થશે. બામણડોંગરી અને ઉરણ વચ્ચેના તમામ રેલ્વે સ્ટેશનો પૂર્ણ થઈ ગયા હોવાથી મોદી બેલાપુરથી ઉરણ રેલ્વે લાઈનનું ઉદ્ઘાટન કરશે.