નવી મુંબઈ એરપોર્ટથી ઉડાન ભરવા તૈયાર થઈ જાવ: 25 ડિસેમ્બરથી આ 4 શહેર માટે શરૂ થશે સીધી ફ્લાઈટ…

મુંબઈ: નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટૂંક સમયમાં ચાર શહેરો માટે સીધી વિમાન સેવા શરૂ થવા જઈ રહી છે. પ્રાદેશિક એરલાઇન સ્ટાર એર ૨૫ ડિસેમ્બર, ૨૦૨૫થી ફ્લાઇટ સેવાઓ શરૂ કરશે.
આ નિર્ણય સાથે નવી મુંબઈ એરપોર્ટ પરથી નિયમિત સેવા શરૂ કરનારી આ પહેલી પ્રાદેશિક એરલાઇન બનશે. આ નવી સેવાને કારણે મુસાફરોને ઓછા સમયમાં અને વધુ સુવિધાજનક મુસાફરીનો વિકલ્પ ઉપલબ્ધ થશે.
સ્ટાર એર નવી મુંબઈથી ચાર મુખ્ય શહેરો માટે નવી વિમાન સેવા શરૂ કરવા જઈ રહી છે, જેમાં અમદાવાદ, ગોવા, બેંગલુરુ અને નાંદેડનો સમાવેશ થાય છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા નવા સમયપત્રક મુજબ, નવી મુંબઈ-અમદાવાદ વચ્ચે સીધી સેવા ઉપલબ્ધ રહેશે.
આ ઉપરાંત, અમદાવાદ થઈને નવી મુંબઈ-નાંદેડ, મોપા (ગોવા) થઈને નવી મુંબઈ-ગોવા અને મોપા થઈને નવી મુંબઈ-બેંગલુરુ જેવી કનેક્ટિંગ ફ્લાઈટ સેવાઓ પણ મુસાફરો માટે શરૂ કરવામાં આવશે.
સ્ટાર એર આ રૂટ માટે તેના આધુનિક એમ્બ્રેર ૧૭૫ એરક્રાફ્ટનો ઉપયોગ કરશે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી સેવાઓ શરૂ કરવી અમારા માટે ગર્વની ક્ષણ છે. ઝડપી, સસ્તી સેવા દ્વારા વાસ્તવિક ભારતને જોડવાની અમારી પ્રતિબદ્ધતામાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, એમ સ્ટાર એરના અધિકારીએ જણાવ્યું હતું.
નવા એરપોર્ટનો ઉદ્દેશ દરેક મુસાફરને આરામદાયક અને અનુકૂળ અનુભવ પૂરો પાડવાનો છે. અદાણી એરપોર્ટના ડિરેક્ટર જીત અદાણીએ જણાવ્યું હતું કે આ એરપોર્ટ પ્રવાસીઓને કેન્દ્રમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે સરળ અને સસ્તી મુસાફરી સુનિશ્ચિત કરે છે. નવી સિસ્ટમમાં મુસાફરો કંટ્રોલર્સ જેવો જ ડેટા જોઈ શકે છે. તેઓ ફ્લાઇટ સ્ટેટસ, સુરક્ષા કતારનો સમય અને સામાનનું સ્થાન ટ્રેક કરી શકે છે.
નવી મુંબઈથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફેબ્રુઆરી અથવા માર્ચ 2026 સુધીમાં શરૂ થવાની ધારણા છે. મુંબઈની સરખામણી લંડન સાથે કરીને તેમણે જણાવ્યું હતું કે લંડનમાં પાંચ એરપોર્ટ છે, જ્યારે મુંબઈમાં હાલમાં બે એરપોર્ટ છે પરંતુ તેના GDP વૃદ્ધિને મેચ કરવા માટે ઓછામાં ઓછા ચાર કે પાંચ એરપોર્ટની જરૂર છે.
આ પણ વાંચો…નવી મુંબઈ એરપોર્ટ પહોંચવા સિડકો બાંધશે બે કોસ્ટસ રોડ…



