નવી મુંબઈની હોસ્ટેલના મેનેજરે કરી આત્મહત્યા: ઇન્ચાર્જની ધરપકડ

થાણે: નવી મુંબઈમાં પેઇન્ગ ગેસ્ટ માટેની હોસ્ટેલના 26 વર્ષના મેનેજરે પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો.
ખારઘર વિસ્તારમાં આવેલા નિવાસસ્થાને સોમવારે સવારના મેનેજર મૃત અવસ્થામાં મળી આવ્યો હતો, જેને પગલે પોલીસે મેનેજરનું અપહરણ કરવા અને તેને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ ઉલ્વે વિસ્તારમાં ખાનગી હોસ્ટેલ ચલાવતા 32 વર્ષના શખસની ધરપકડ કરી હતી.
આરોપીને શંકા હતી કે મેનેજરે હોસ્ટેલના ભંડોળમાંથી રૂ. 60,000ની ઉચાપત કરી હતી. આ રકમ બાદમાં તેની પાસેથી વસૂલ કરવામાં આવી હતી.
આરોપીએ દાવો કર્યો હતો કે મેનેજરે હોસ્ટેલના ગ્રાહકો પાસેથી વધારાના રૂ. 5,500 લેતો હતો, એમ એનઆરઆઇ સાગરી પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર સુભાષ શેલારે કહ્યું હતું.
રવિવારે આરોપીએ તેના કેટલાક સાથીદારો સાથે મળીને ઉલ્વેથી મેનેજરનું અપહરણ કર્યું હતું અને તેને દિવલે ગામમાં મંદિર નજીકના એક ફ્લેટમાં લઇ જવાયો હતો, જ્યાં લોખંડના સળિયાથી તેની મારપીટ કરાઇ હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
આને કારણે મેનેજર હતાશ થયો હતો અને તેણે અંતિમ પગલું ભર્યું હતું. મેનેજરની માતાએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે મંગળવારે આરોપી સામે ભારતીય દંડસંહિતાની કલમ 306 (આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવું), 363 (અપહરણ) અને 34 (સમાન હેતુ) હેઠળ ગુનો દાખલ કરીને મંગળવારે તેની ધરપકડ કરી હતી. પોલીસ હવે ગુનામાં સંડોવાયેલા અન્ય લોકોની શોધ ચલાવી રહી છે. (પીટીઆઇ)