નવી મુંબઈમાં ઇલેક્ટ્રિક બસે રાહદારીઓને અડફેટમાં લીધા: છ જણ ઘાયલ

થાણે: નવી મુંબઈમાં ગુરુવારે ઇલેક્ટ્રિક બસે રાહદારીઓને અડફેટમાં લેતાં છ જણ ઘાયલ થયા હતા. પોલીસે આ પ્રકરણે બસ ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. નવી મુંબઈના તુર્ભે નાકા વિસ્તારમાં ુગુરુવારે રાતના નવ વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
નવી મુંબઈ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (એનએમએમટી)ની ઇલેક્ટ્રિક બસના ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યા બાદ રાહદારીઓને અડફેટમાં લીધા હતા, જેમાં છ જણ ઘવાયા હતા.
આપણ વાંચો: ભિવંડીમાં ટ્રકે અડફેટમાં લેતાં ચાર વર્ષનો બાળક, મહિલાનાં મોત…
તુર્ભે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અછાસાહેબ પાટીલે જણાવ્યું હતું કે બસના ડ્રાઇવર પ્રમોદ રમેશ કનોજિયા (52) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મોટર વેહિકલ્સ એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બસ પૂરપાટ વેગે હંકારવામાં આવી રહી હતી અને ફાઇઝર કંપની નજીક ડ્રાઇવરે અચાનક કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માતમાં છ રાહદારી ઘાયલ થયા હતા અને તેમને સારવાર આપવામાં આવી હતી. અકસ્માતમાં કોઇને ગંભીર ઇજા થઇ નહોતી, એમ સબ-ઇન્સ્પેક્ટર પ્રકાશ જગતાપે કહ્યું હતું.
અકસ્માતગ્રસ્ત બસ એનએમએમટીના તુર્ભે ડેપોની હતી અને તેને જપ્ત કરવામાં આવી હતી. બસનું ફોરેન્સિક તથા મિકેનિકલ ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે. (પીટીઆઇ)