નવી મુંબઈમાં સાંસ્કૃતિક કાર્યક્રમ વખતે થઈ ધમાલ, અસામાજિક તત્ત્વોએ કર્યું કારસ્તાન
નવી મુંબઈ: નવી મુંબઈમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન અસામાજિક તત્વોને લીધે મોટો હંગામો થયો હતો. ડૉ. બાબાસાહેબ આંબેડકર, છત્રપતિ શાહુ મહારાજ અને મહાત્મા જ્યોતિબા ફુલેની જયંતી નિમિત્તેના એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન અસમાજિક તત્ત્વોએ સ્ટેજ પર ચાલી રહેલા કાર્યક્રમના પર્ફોર્મન્સ પર ઈંડા અને સંતરાના છોતરા ફેંકીને કાર્યક્રમમાં ભંગાણ પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે હવે પોલીસે અજ્ઞાત લોકો સામે ગુનો દાખલ કર્યો છે.
નવી મુંબઈના પનવેલ વિસ્તારના કોનગામમાં રવિવારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાબતે એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં કેટલાક લોકોએ કથિત રીતે કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર ઈંડા સાથે સંતરાના છોતરા ફેંકી અને પાણી ફેંકવામાં આવ્યું હતું. જોકે આ આરોપીઓની હજુ સુધી કોઈ પણ માહિતી મળી નથી.
ફરિયાદમાં મહિલાએ દાવો કર્યો છે કે આરોપીના આ કૃત્યથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની સાથે જેમના સન્માનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે મહાન હસ્તીઓનું પણ અપમાન કરવામાં આવ્યું છે .
ફરિયાદ બાદ પોલીસે આઇપીસી સેક્શન 295A અને SC/ST એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. આ આરોપીઓ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ કરવામાં આવ્યો છે.