કંપની સાથે 64 લાખ રૂપિયાની છેતરપિંડી: નવી મુંબઈના દંપતી સામે ગુનો

થાણે: ટેક્નોલોજી કંપની સાથે 64 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ નવી મુંબઈના દંપતી વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
રબાળે પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે એપ્રિલ, 2022થી સપ્ટેમ્બર, 2024 દરમિયાન આ છેતરપિંડી આચરવામાં આવી હતી.
કંપનીની મહિલા ડિરેક્ટરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે કંપનીના નાણાકીય કામકાજ આરોપીને સોંપવામાં આવ્યાં હતાં. જોકે આરોપીએ તેની પત્નીની મદદથી કંપનીના 64.68 લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.
આ પણ વાંચો: વાહન ભાડે આપવાની સ્કીમમાં 1,375 રોકાણકાર સાથે 20 કરોડની છેતરપિંડી: 246 વાહન જપ્ત
આરોપીએ કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા, જેમાં દાવો કરાયો હતો કે કંપનીની ડિરેક્ટરે રાજીનામું આપી દીધું છે. આરોપીએ બાદમાં તેની પત્નીને ડિરેક્ટર તરીકે નિયુક્ત કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આરોપીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બોગસ એગ્રીમેન્ટ રજૂ કર્યું હતું અને મહિલા ડિરેક્ટર પર શરતોનું ઉલ્લંઘન કરવાનો ખોટો આરોપ લગાવ્યો હતો.
આરોપી અને તેની પત્ની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોઇ આ પ્રકરણે તપાસ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
(પીટીઆઇ)