શૅરબજારમાં રોકાણ પર ઊંચા વ્યાજની લાલચે બિઝનેસમૅને એક કરોડ ગુમાવ્યા

થાણે: શૅરબજારમાં રોકાણ પર ઊંચા વ્યાજની લાલચ બતાવી સાયબર ઠગે નવી મુંબઈના 75 વર્ષના બિઝનેસમૅન પાસેથી 1.08 કરોડ રૂપિયા પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
નવી મુંબઈના વાશી પરિસરમાં રહેતા ફરિયાદીએ ગયા મહિને ફેસબુક પર આવેલી એક જાહેરખબર પર ક્લિક કર્યું હતું. આ જાહેરખબરમાં શૅરબજારમાં રોકાણ કરેલી રકમ પર આકર્ષક વળતરની ખાતરી આપવામાં આવી હતી.
ફરિયાદીએ જાહેરખબર પર ક્લિક કરતાં જ તેમને એક વ્હૉટ્સઍપ ગ્રૂપમાં એડ કરવામાં આવ્યા હતા. પછી વિવિધ વેબસાઈટની લિંક મોકલાવીને ફરિયાદીને તેના પર ટ્રેડિંગ એકાઉન્ટ બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. લાલચમાં આવી ફરિયાદીએ પાંચમી ડિસેમ્બર, 2025થી છઠ્ઠી જાન્યુઆરી, 2026 દરમિયાન વિવિધ ખાતાંમાં 18 ટ્રાન્ઝેક્શન દ્વારા 1.08 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા, એવું સાયબર પોલીસના અધિકારીએ જણાવ્યું હતું.
ફરિયાદીનો વિશ્ર્વાસ સંપાદન કરવા માટે આ એકાઉન્ટ્સ પર ફરિયાદીનો નફો વધારી રકમ ચાર કરોડ રૂપિયા દર્શાવાઈ હતી. જોકે ફરિયાદીએ નાણાં કઢાવવાનો પ્રયાસ કરતાં તે નિષ્ફળ રહ્યા હતા. સાયબર ઠગ ટોળકીએ વિવિધ ટૅક્સ અને આઈપીઓ સબસ્ક્રિપ્શન ફી પેટે વધુ રૂપિયા જમા કરાવવાનું કહેતાં ફરિયાદીને શંકા ગઈ હતી.
પોતે છેતરાયા હોવાની જાણ થતાં ફરિયાદીએ નૅશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ મારફત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે નવી મુંબઈ સાયબર પોલીસે 29 જાન્યુઆરીએ બે અજાણ્યા શખસ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો. પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)



