પત્ની-સાસુને નિર્વસ્ત્ર થઇ ‘કાળા જાદુ’નીવિધિ કરવાની ફરજ પાડી: પતિ સામે ગુનો…

થાણે: નવી મુંબઈમાં બનેલી ચોંકાવનારી ઘટનામાં સાળાનાં લગ્ન થાય એ માટે 30 વર્ષના શખસે તેની પત્ની અને સાસુ પાસે નિર્વસ્ત્ર ‘કાળા જાદુ’ની અમુક વિધિઓ કરવા ફરજ પાડી હતી અને બાદમાં તેના ફોટા વહેતા કર્યા હતા. વાશી પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે 3 જુલાઇએ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કેસની તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી.
નવી મુંબઈમાં આરોપીના ઘરમાં એપ્રિલ અને જુલાઇ, 2025 દરમિયાન આ ઘટના બની હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આરોપી ઉત્તર પ્રદેશના દેવરિયાનો વતની હોઇ તેણે સાળાનાં લગ્ન થાય એ માટે પોતાની પત્ની અને સાસુને નિર્વસ્ત્ર થઇને અમુક વિધિ કરવા ફરજ પાડી હતી.
આરોપીએ તેમને તેમના ફોટા પાડવા દબાણ કર્યું હતું તથા એ ફોટા લઇને પીડિતાને અજમેર ખાતે આવવાનું કહ્યું હતું. પીડિતા ફોટા લઇને અજમેર ગઇ હતી અને આરોપીએ બાદમાં ફોટા પીડિતાના પિતા અને ભાઇને વ્હૉટ્સઍપ પર પાઠવ્યા હતા.
પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સંબંધિત કલમો, માનવબલિ અને અન્ય અમાનવીય, શયતાની તથા અઘોરી કૃત્ય તથા કાળો જાદુ નાબૂદી ધારા 2013 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)