નવી મુંબઈમાં બાળકીને બાસ્કેટમાં મૂકી રસ્તા પર છોડી દીધી: પિતા પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી મુંબઈમાં ત્રણ દિવસની બાળકીને એક બાસ્કેટમાં મૂકી રસ્તા પર છોડી દેવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે 24 કલાકમાં જ બાળકીના પિતાને શોધી કાઢ્યો હતો. બાસ્કેટમાંથી પોલીસે મળી આવેલી ચિઠ્ઠીમાં નબળી આર્થિક સ્થિતિને કારણે બાળકીનું ભરણપોષણ શક્ય ન હોવાનું લખીને માફી પણ માગવામાં આવી હતી.
નવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડેલા બાળકીના પિતાની ઓળખ અમાન ઈકબાલ કોંડકર તરીકે થઈ હતી. ભિવંડીમાં રહેતા કોંડકરને વધુ કાર્યવાહી માટે પનવેલ શહેર પોલીસના તાબામાં સોંપાયો હતો. બાળકીની માતાને પણ નોટિસ બજાવવામાં આવી હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: શોકિંગઃ મુંબઈમાં કેન્સર પીડિત દાદીને પૌત્ર કચરામાં છોડી ગયો
પોલીસના જણાવ્યા મુજબ નવી મુંબઈના પનવેલ ખાતેની તક્કા કોલોની નજીક મોરાજ રેસેડેન્સી પાર્ક પાસેના રસ્તા પર એક બાસ્કેટમાંથી શનિવારે ત્રણ દિવસની બાળકી મળી આવી હતી. બાળકીના શરીર પર નવાં કપડાં હતાં અને બાસ્કેટમાં ઈંગ્લિશમાં લખેલી ચિઠ્ઠી હતી. રાહદારીની નજર બાસ્કેટમાંની બાળકી પર પડતાં પોલીસને જાણ કરાઈ હતી.
પનવેલ શહેર પોલીસે તાત્કાલિક બાળકીને તાબામાં લઈ અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. બાળકીને અલીબાગના ઘોડિયાઘરમાં રાખવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
બાસ્કેટમાંથી મળેલી ચિઠ્ઠીમાં વડીલોએ દાવો કર્યો હતો કે તેમની આર્થિક સ્થિતિ નબળી છે, જેને કારણે બાળકીનો ઉછેર કરવો તેમના માટે શક્ય નથી. ચિઠ્ઠીમાં ‘સૉરી’ પણ લખ્યું હતું. આ બાબતને ગંભીરતાથી લઈ ક્રાઈમ બ્રાન્ચે સમાંતર તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: હદ કરી હેવાનેઃ જાલનામાં ૯ વર્ષની બાળકી પર બળાત્કાર કરી રસ્તા પર ફેંકી દેવાઈ
બાળકીને જ્યાં છોડવામાં આવી તેની આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ પોલીસે તપાસ્યાં હતાં. ફૂટેજમાં પોલીસને શંકાસ્પદ વાહન નજરે પડ્યું હતું. એ વાહનમાં જ બાળકીને લાવવામાં આવી હોવાની શક્યતાને પગલે પોલીસે વાહનને ટ્રેસ કર્યું હતું. વાહનની તપાસમાં પોલીસ કોંડકર સુધી પહોંચી હતી.
પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે અપરિણીત યુવતીને બાળકી જન્મી હોવાથી તેને ત્યજી દેવાનું નક્કી કરાયું હતું. બાળકી યોગ્ય હાથોમાં જશે એ ઇરાદે મહિલાઓના અનાથાશ્રમ નજીક છોડવામાં આવી હતી.