એટીએમમાં ભરવા માટેના 1.90 કરોડ ચોરવા બદલ ઑપરેટરની ધરપકડ…

થાણે: નવી મુંબઈમાં એટીએમમાં ભરવા માટેના 1.90 કરોડ રૂપિયા ચોરવા બદલ ઑપરેટરની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. કલંબોલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કોઠેએ જણાવ્યું હતું કે આરોપી ધનરાજ ભોઇર ખાનગી કંપનીનો એટીએમ ઑપરેટર હતો અને તેણે ફેબ્રુઆરીથી જૂન, 2025 દરમિયાન આ ગુનો આચર્યો હતો. કલંબોલી, કામોઠે અને ખારઘર વિસ્તારમાં 16 એટીએમમાં ભરવા માટે ભોઇરને રૂપિયા આપવામાં આવ્યા હતા. જોકે ભોઇરે 1.90 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી અને તેનો ઉપયોગ પોતાના અંગત ફાયદા માટે કર્યો હતો.
ઇન્ટરનલ ઑડિટમાં એટીએમ કૅશ રિફિલ રેકોર્ડમાં વિસંગતિઓ જણાયા બાદ ગુનો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે આ પ્રકરણે ગુરુવારે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યા બાદ ભોઇરની ધરપકડ કરવામાં આવી હતી. ભોઇરે ચોરેલા રૂપિયા પાછા મેળવવા અને આ ગુનામાં તેનો કોઇ સાથીદાર છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે, એમ કોઠેએ જણાવ્યું હતું. (પીટીઆઇ)