નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ત્રીજા રનવે માટે ટેક્નો-કોમર્શિયલ શક્યતા અભ્યાસ માટે બિડ મંગાવી

મુંબઈઃ શહેર અને ઔદ્યોગિક વિકાસ નિગમ (સિડકો)એ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ત્રીજા રનવેના વિકાસ માટે ટેક્નો-કોમર્શિયલ શક્યતાનો અભ્યાસ કરવા માટે સલાહકારની નિમણૂક માટે બિડ મંગાવવામાં આવી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
આ દરખાસ્ત ઈ-ટેન્ડરિંગ પ્રક્રિયા દ્વારા રજૂ કરવામાં આવી છે, જેમાં નિર્ધારિત પાત્રતા માપદંડોને પૂર્ણ કરતા હોય તેવા પ્રતિષ્ઠિત સિંગલ બિઝનેસ એન્ટિટીઝ અથવા સંયુક્ત સાહસો/કન્સોર્ટિયા પાસેથી ઓનલાઈન દરખાસ્ત વિનંતીઓ આમંત્રિત કરવામાં આવી છે.
આ પણ વાંચો: નવી મુંબઈ એરપોર્ટ પહોંચવા સિડકો બાંધશે બે કોસ્ટસ રોડ…
ભવિષ્યમાં હવાઈ ટ્રાફિક વૃદ્ધિ અને સંચાલન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ત્રીજો રનવે વિકસાવવાની તકનીકી અને વ્યાપારી યોગ્યતાનું મૂલ્યાંકન કરવાનો આશય આ કન્સલ્ટન્સી દરખાસ્ત મંગાવવા પાછળ છે. તેનું કાર્યક્ષેત્ર સિડકોના પરિવહન અને એરપોર્ટ (ટી એન્ડ સી) વિભાગ હેઠળ આવે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
કન્સલ્ટન્સીનો સમયગાળો છ મહિનાનો નક્કી કરવામાં આવ્યો છે. કન્સલ્ટન્ટની પસંદગી સ્થાપિત ખરીદી ધોરણો અનુસાર, લિસ્ટ કોસ્ટ સિલેક્શન પદ્ધતિથી કરવામાં આવશે. બિડિંગ શેડ્યૂલ અને વિગતવાર ટેન્ડર દસ્તાવેજો 16 ડિસેમ્બરથી સત્તાવાર સિડકો ઇ-ટેન્ડરિંગ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે, તેવી માહિતી અધિકારીએ આપી હતી.



