નવી મુંબઈ એરપોર્ટથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ ક્યારે શરૂ થશે? | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

નવી મુંબઈ એરપોર્ટથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ ક્યારે શરૂ થશે?

નવી મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઠમી ઓક્ટોબરે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું ઉદઘાટન કરશે. આ એરપોર્ટનું નામ પ્રોજેક્ટના નેતા ડી.બી.પાટીલના નામ પર રાખવા માટે છેલ્લા કેટલાક દિવસોથી બેઠકો ચાલી રહી છે. મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્રનું આ બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે.

આ પ્રોજેક્ટનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ મહિનાની આઠમીએ થયા પછી પણ વાસ્તવિક ફ્લાઇટ ઓપરેશન ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં શરૂ થશે એવી સંભાવના છે.

ડિસેમ્બરમાં આ એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉડાન ભરશે એવો દાવો સિડકોના મેનેજિંગ ડાયરેક્ટર વિજય સિંઘલે દાવો કર્યો છે.

આ પણ વાંચો: નવી મુંબઈ એરપોર્ટનું ઉદ્ઘાટન ક્યારે? ગૌતમ અદાણીએ આપી મોટી અપડેટ…

મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્રમાં હવાઈ મુસાફરીની માંગ આગામી બે દાયકામાં ઝડપી ગતિએ વધવાની ધારણા છે. 2040 સુધીમાં આ માંગ વાર્ષિક 15 કરોડ મુસાફરો સુધી પહોંચવાની ધારણા છે. હાલના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (સીએસએમઆઈએ) એ દાયકાઓથી મુસાફરોને સારી રીતે સેવા આપી છે, પરંતુ તેની મહત્તમ ક્ષમતા વાર્ષિક સાડા પાંચ કરોડ મુસાફરો સુધી મર્યાદિત છે. આ કારણસર નવા એરપોર્ટનું નિર્માણ સમયની માંગ હતી. સિંઘલે એવો દાવો પણ કર્યો હતો કે બંને એરપોર્ટ મુંબઈને વૈશ્વિક ઉડ્ડયન કેન્દ્ર બનાવશે અને આ ક્ષેત્રની અર્થવ્યવસ્થા ઝડપી ગતિએ વધશે.

નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં સિડકો પાસે 26 ટકા હિસ્સો છે અને એનએમઆઈએએલ પાસે 74 ટકા હિસ્સો છે. આ એરપોર્ટ 1160 હેક્ટર એટલે કે લગભગ 2860 એકર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં હાલમાં દર વર્ષે બે કરોડ મુસાફરોની આવનજાવન થશે. અંતિમ તબક્કામાં એરપોર્ટની પેસેન્જર ક્ષમતા વધારીને 9 કરોડ કરવામાં આવશે.

Haresh Kankuwala

મુંબઈ-સિટી-ડેસ્ક એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારથી જ કારકિર્દીની શરૂઆત થઇ અને છેલ્લા બે દાયકાથી તેની સાથે સંકળાયેલો છું. મુંબઈમાં બનેલી વિવિધ ઘટનાઓના કવરેજમાં સહયોગ આપ્યો છે. લાંબા સમયથી સિટી ન્યૂઝની ઇન્ચાર્જશિપ સંભાળી છે. More »

સંબંધિત લેખો

Back to top button